૩૬ સંતોની મધુસંચય વૃત્તિનું પરિણામ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      આપણા સંતોમાં આ સાધના ક્યાંથી આવી? એ વિશે વિચારણા કરતાં પં.રામચંદ્ર શુક્લ [પં.રામચન્દ્ર શુક્લ. હિન્દી સાહિત્યકાં ઈતિહાસ, પૃ.૯ થી ૨૧ અને ૬૩ થી ૯૩, ભ-૬] લખે છે કે ગોરખનાથનાં નાથપંથનું મૂળ બૌદ્ધોની વ્રજયાન શાખા હતી. બૌદ્ધોની આ શાખાની વિશેષતા હતી – અંતરસાધના પર જોર અને પંડિતોને ફિટકાર, દક્ષિણમાર્ગ છોડીને વામમાર્ગને સ્વીકારવો, વારુણી પ્રેરિત અંતર્મુખ સાધના, સાધનામાં મદ્ય અને સ્ત્રીઓનું વિશેષત: ડોમની, રજકી વગેરેનું અબાધ સેવન, મહાસુખવાડ અને શરીરની અંદર વિહાર.

      શ્રી શુક્લનાં કહેવા મુજબ નાથપંથનું મૂળ આ વ્રજયાન શાખા હતી, પણ ગોરખનાથની શાખા યોગીઓની હિંદુ શાખા હતી. એમણે વ્રજયાનીઓના અશ્લિલ અને બિભત્સ વિધિ-વિધાનોથી પોતાને અલગ રાખીને હઠયોગનું પ્રવર્તન કર્યું. યોગીઓની આ શાખાની વિશેષતાઓ જોઈએ તો એમાં-રસાયણ સિદ્ધિ, ઈશ્વરવાસ, હિન્દુ-મુસલમાનોનો સામાન્ય સાધનામાર્ગ, ઈશ્વર ઉપાસનામાં બાહ્ય વિધિવિધાનો પ્રત્યે ઉપેક્ષા, શરીરમાં જ શિવની શોધ, વેદશાસ્ત્રનાં અધ્યયનની વ્યર્થતા અને વિદ્વાનો પ્રત્યે અશ્રદ્ધા, સદગુરુની મહત્તા, આત્મનિગ્રહ, શ્વાસનિરોધ, ભીતરના ચક્રો અને નાડીઓનું વર્ણન અને એના પર કાબૂ મેળવવાના પ્રયત્નો વગેરે બાબતો એમાં હતી.

      આ રીતે નાથપંથનાં સંતોએ વ્રજયાની બૌદ્ધોમાંથી પોતાને અનુકૂળ સાધના સામગ્રી લઈને પોતાની વિશિષ્ટ રીતે આગવી સાધના પ્રણાલી ઉપજાવી આગળ જતાં ભક્તિકાળમાં નિર્ગુણ સંત સંપ્રદાયનાં મંડાણ થયાં.... એમણે વેદાન્તનાં જ્ઞાનમાર્ગ, સૂફીઓના પ્રેમમાર્ગ અને વૈષ્ણવોનાં અહિંસાવાદ તથા પ્રપત્તિવાદને મેળવીને સિદ્ધો અને યોગીઓએ જે કેડી કંડારી હતી તેને રાજમાર્ગ તરીકે પ્રચલિત કરી દીધો.

      સંતોમાં મધુસંચયવૃત્તિ હતી. એમણે હઠયોગીઓની સાધનામાંથી રહસ્યવાદના કેટલાક સાંકેતિક શબ્દો ઉપાડ્યા. ચંદ્ર, સૂર્ય, નાદ બિન્દુ, અમૃત, ઉધોકૂવો વગેરે સાંકેતિક શબ્દો લઈને અદભુત રૂપક બાંધ્યા. [પં.રામચન્દ્ર શુક્લ. હિન્દી સાહિત્યકાં ઈતિહાસ, પૃ.૯ થી ૨૧ અને ૬૩ થી ૯૩, ભ-૬]

      એ જ પ્રમાણે સૂફીઓની વિશિષ્ટ પ્રેમભક્તિને પોતાની સહજ સાધનામાં સ્થાન આપ્યું, વેદાંતમાંથી જ્ઞાનમાર્ગી પરિભાષાનો સ્વીકાર કર્યો અને ‘સંત સાહિત્ય’નું વિશિષ્ટ સ્વરૂપ ખડું કર્યું.

      સૌરાષ્ટ્રની ભજનવાણીમાં આપણને આ સમન્વયાત્મક દૃષ્ટિ જોવા મળે છે. એક ભજનમાં ‘હરિ નામનું હાટ જ માંડો, અને ભક્તિનો કરો વેપાર...’ એમ ભક્તિનો મહિમા ગાઈને નામસ્મરણની સાધના વિશે શિખામણ આપતાં દાસી જીવન બીજા એક ભજનમાં ‘પિયુજી વિના મુંને પાણીડાં ન ભાવે વાલા’ જેવી પંક્તિઓ દ્વારા વિશિષ્ટ પ્રેમલક્ષણાનો આવિષ્કાર કરાવે છે અને આવી પંક્તિઓ રચનારો કવિ જ્યારે યોગમાર્ગનો સાધક બનીને
‘ અગમ ધરકી ખડકી ખોલી, જોને આસમાને,
ઉલટા આકાશે ચડી લેને તું પીછાની જ્ઞાની....’

‘દેવળ તો એક દેહીમાં દેખ્યા, ભીમે ભેદ બતાયા,
દાસી જીવણ ગાઈ ગુલતાના, એસા ધરા સુખ આયા.’

અબધુ દીયા તખત પર ડંકા રે,
સો ઘર સે’ જે પાયા....’

      એવી અદભુત ચિંતનાત્મક, રહસ્યાત્મક ઉક્તિઓ રજૂ કરે છે ત્યારે એની સાધના ઝળકી ઊઠે છે.0 comments