18 - છાતીમાં દુખ્યાની અનુભૂતિ / નયન દેસાઈ


૧.
(દુઃખાવાની શરૂઆત)
પીળાં સ્મરણ પર્વતો પીગળ્યા લે જિંદગી !
ઘરમાંથી આખું ઘર લઈ નીકળ્યા લે જિંદગી !
છપ્પરપગા એ શ્વાસને વટલાવી ગઈ હવા,
ઠંડા સૂરજના સ્પર્શથી પલળ્યા લે જિંદગી !

(દુઃખાવો)
સમડીની પાંખ ફડફડે વેરાન ચોકમાં,
વળગી પડી છે બારીઓ સંધ્યાની ડોકમાં.
ઘરની તમામ ભીંત પર વનવાસની કથા,
ડૂબી રહ્યા છે પગરવો ઉંબરની પોકમાં.

(દુઃખાવો વધે છે : આક્રોશ)
સાત્તેય વહાણ ડૂબશે, સાત્તેય ડૂબશે,
આખ્ખી ને આખ્ખી જાન લૂંટારાઓ લૂંટશે.
ઊભ્ભી ને ઊભ્ભી લાગણીને બાળશે સમય,
અબ્બી ને અબ્બી દેવતા મોઢામાં મૂકશે.

૪.
(સનેપાત)
નાચી રહી છે જોગણી કિલ્લાની રાંગ પર,
ભાલાની તીક્ષ્ણ ધાર છે ક્ષણની છલાંગ પર.
સળગી મશાલ ચોતરફ, વાગે છે ડોકલાં,
તૂટી પડ્યો છે ખાટકી બકરાની ટાંગ પર.

૫.
(મૃત્યુની થોડી ક્ષણો પહેલાં)
ઝળહળતું આભ પાંફમેં ઊભું અરુપરું,
સુક્કો સમુદ્ર છાતીએ, છાતીમાં ભોંયરું.
લોહીલુહાણ નાગ ઉપર કીડીનું ઝૂંડ છે,
ખોદી... રહ્યું છે શ્વાસનો.. જાણે... કોઈ ચરુ...!0 comments


Leave comment