39 - નદી (ક્યૂબીઝમ રચના) / નયન દેસાઈ


ખળખળ ઝળઝળ ઝબાક્ જળતું જળ રે જળથી જળમાં
ઝબકી હળતું ઢળતું છળતું, છપાક્ છીછરાં છલકે.
આ પાર... ઓ પાર... આ પાર... ઓ પાર...

ખટાક્ ખારવા ખલ્લક ડૂબ્યા અઢળક કઢળક હોડી હૈસાં
લંગાર ખપ્પક ખૂંપ્યા, હરીએ ફરીએ તળિયું ટપકે...
આ પાર... ઓ પાર... આ પાર... ઓ પાર...

મીંઢળબંધો મછવો ડૂબે ભફાંગ ચીસો ભફાંગ નાસો કોણ બચ્યું
ને કોણ ડૂબ્યું ને ઓળંબાતા ગોળંબાતા વર્તુળમાં
ઓળા ઓગળતા સ્થિર સપાટી પર આંસુની છલના છલકે...
આ પાર... ઓ પાર... આ પાર... ઓ પાર...

આટલાં બિલ્લસ તેટલાં બિલ્લસ આટલા વાંભે તેટલા વાંભે
આમ મથોડાં તેમ મથોડાં,
ત્રીજી વારની ડૂબકી ઉપર દોડમદોડ ફીણ લસરકે....
આ પાર... ઓ પાર... આ પાર... ઓ પાર...

છળતાં પાણી, મળતાં પાણી, પાછાં આવી વળતા પાણી,
ઢળાક ઢળઢળ ઢળતાં પાણી,
રેતી સૂતી પવન પાણી ઊડે ચીંથરા સરરર રાણી...
આ પાર... ઓ પાર... આ પાર... ઓ પાર...

છપાક્ કરતો સૂરજ કૂદે રજ રજમાં ને ગુંબજમાં ઝાલર વાગે
ને પુલ નીચે અવસાદી રંગો ઓઢીને નિરમાળ તરે ને
પરપોટાના અટ્ટહાસ્યમાં સાંજનો પગરવ હલકે હલકે...
આ પાર... ઓ પાર... આ પાર... ઓ પાર...

ઘુમરી ઉપ્પર ઘુમરી ઉપ્પર ઘુમરી એમાં ફીણની ડમરી ડાહી ડમરી સુસવાટા ને શઢની લઢવઢ ઓવારો ને
ઘાટ: પગથિયાં, મોજાંના રઘવાટ રગશિયા...
મત્સ્ય રેશમી જળલિસોટો, ઘડીક તડકો, ઘડીક છાંયો કોઈ કરચલો દરમાં પેસે,
સૂનકારના શંખ એટલા કાંઠા ઉપર ડંખ ને નીચે આભ છલાંગે વાદળ સરકે...
આ પાર... ઓ પાર... આ પાર... ઓ પાર...

ડહોળા પાણીમાં ડિલ બોલી ભીને લૂગડે ટોળું આવે
કાંઠે બેસી છબછબિયા
કરતાં ગપસપનાં સપનાંની રાખોટી ઘટનાને વાગોળે,
નિર્જન કાંઠો, છાતીમાં ડૂમાની રેતી આંખોમાં
અવગતિયાં દૃશ્યો, થોડે દૂર
ધુમાડાને વીંટળાઈ વળેલા શ્વાસો બળતા ભડભડ ભડકે,
આ પાર... ઓ પાર... આ પાર... ઓ પાર...0 comments


Leave comment