41 - ૧૫ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આજે સવારે મમ્મીને ભાવતી ગરમ ગરમ પૂરણપોળી જમાડી. બપોર પછી બજારમાં મસ્તી મારી. મમ્મીએ મારા માટે દયારામ પ્રિન્ટ્સની સાડી ખરીદી, ઓફ વ્હાઈટ બેકગ્રાઉન્ડમાં મરુન અને ડાર્ક ગ્રીન ફૂલ... એકદમ ઉત્સવી મૂડમાં આવી જવાય એવી. (સાંજે ઉદઘાટને ય કરી લીધું.) મેં વૃંદા માટે દેશી ભરતનો થેલો લીધો. ટ્રેડિશનલ ડિઝાઈન અને રંગ... થયું કેસૂડાથી નહીં, તો આ રીતે એને રંગીશ. વળતાં હોટલમાં દોસો. આખા દિવસની ઘટનાઓને જોતાં લાગે છે, જાણે અમે પરસ્પરને પ્રસન્ન કરવા મથતાં હતાં.

      સવારે બાજુવાળાં નલિનીબહેન અને રુદ્રાક્ષ અમને ગુલાલથી રંગી ગયાં. મેં રુદ્રાક્ષના ગાલે મારો ગાલ ઘસીને એને રંગ્યો. એમને ઘરે તો આજે મેળાવડો હતો. ત્રણ દિયર, દેરાણી અને બાળકો. સખત ધમાચકડી. એમાંય એક દિયરે તો રસોડામાં જ રંગનું રમખાણ ખેલી નાખ્યું. પૂરીનો લોટ ફરીને બાંધવો પડ્યો.

      દિયર-ભોજાઈની આ ધમાલ જો તરુણ જુએ તો એમ જ કહે કે કશુંય નિર્દોષ નથી. તો શું સ્ત્રી-પુરુષના સંબંધમાં ક્યારે ય સ્વાભાવિકતા સંભવ જ નથી ? તો તો પછી તરુણ, સલિલ સાથે મારી મિત્રતા પણ ? અંહ, તરુણ કંઈક અતિવાદી થઈને વિચારે છે. મને એ ક્યારે ય માત્ર પુરુષરૂપે નથી અનુભવાયો કે નથી એની હાજરીમાં હું મારા સ્ત્રીપણાથી સભાન બનતી.

      મને લાગે છે હવે આ સ્ત્રી-પુરુષનાં વાડાથી ઉપર ઊઠીને નિર્ભેળ મનુષ્યત્વની પ્રતિષ્ઠા કરવાની જરૂર છે. એમાં સ્ત્રીએ સ્ત્રીત્વ હટાવવાની વૃત્તિ છોડવી પડશે, પોતાની જાતને પુરુષથી જુદી નહીં માનીને પહેલ કરી શકાય.


0 comments


Leave comment