14 - હોળી / અદૃશ્ય દીવાલો / માવજી માહેશ્વરી


  નહીં પે'રુ જા.
       હરિ ખમીસનો ઘા કરી ઊભો રહ્યો. દાંત વચ્ચે સોય ભરાવી મલાં હરિએ ઘા કરેલા ખમીસ સામું જોઈ અવાજમાં શક્ય તેટલું વહાલ ભરીને બોલી.
- પે'રી લે ભાઈ. પછી નવું સીવડાવી દઈશ. આ જો જરાક જેટલું તો ફાટ્યું છે.
- તને કીધું ને નહીં પે'રું.
       હરિ મોં ફેલાવી ચડ્ડીભેર ઊભો રહ્યો. મલાં હરિ પર ગુસ્સે ન થઈ શકી. એ શૂન્ય આંખે ફળિયામાં જોઈ રહી. ફળિયામાં ગઈ કાલથી અવરજવર વધી હતી. આ વર્ષે પરણી આવનાર વહુવારુઓના હારડા દેવા આવેલા મહેમાનોથી ફળિયું ગાજતું હતું. હરિ ફળીયામાં દોડાદોડી કરતા છોકરાને રોષમાં જોતો ઓટલાની ધારે બેસી રહ્યો. પરિસ્થિતિ પર વિચાર કરવાની શક્તિ જ હણાઈ ગઈ હોય તેમ મલાં સ્થિર બેસી રહી. ધનજીનાં ખાંસવાનો અવાજ આવ્યો. તેનું ધ્યાન એ તરફ ગયું. ખાંસી વધતી જતી હતી. એ યંત્રવત્ ઊઠી. હરિએ ફૂલાવેલા મોંએ એની સામે જોયું.

       ઘરની પડખે બે થાંભલી અને ભીંતનો આધાર લઈ બાંધેલા કંતાનના છાંયડા નીચે સૂતેલા ધનજીએ ખાંસીનો હુમલો આવ્યો હતો. મલાં ખાટલા પાસે જઈ કાંઈ જ બોલ્યા વગર ઘડામાંથી પાણીનો પ્યાલો ભર્યો અને ખાંસતા ધનજીને ટેકો દઈ બેઠો કરી પાણી પાયું. ધનજીની આંખોમાં ખાંસવાથી રતાશ તરી આવી. તેણે હાંફતા હાંફતાં દયામણી આંખે મલાં સામું જોયું. મલાં ધીમેથી બોલી - કેમ છે હવે ? ધનજીએ આંખોથી જ રાહત થયાનું કહ્યું. શ્વાસ હેઠે બેઠા પછી તેણે મલાં સામે જોયા વગર જ કહ્યું.
- પેલો કેમ રીસાણો છે ? મલાં કાંઈ ન બોલી.
- એને દઈ ડે જે જોઈતું હોય તે.
       નમીને પાંગતે ગોદડું સરખું કરતી મલાંથી જરા ઊંચે સાદે બોલાઈ જવાયું.
- ક્યાંથી દઉં ? મારા બાપાની કોઈ વખાર તો છે નહીં કે એ માગે તે આપી દઉં. એને નવાં કપડાં ખપે છે. ક્યાંથી કાઢવાં અત્યારે નવાં કપડાં ?
       મલાંને ગળે ડૂમો બાઝી ગયો. ધનજી મલાં સામે જોઈ ન શક્યો. ઊંડું ઊંડું હાંફતાં ખાટલાની પાંગતને જોઈ રહ્યો. તેણે કૃશ હાથ ચહેરા પર ફેરવ્યો. વધી ગયેલી દાઢીનો બરછટ સ્પર્શ અનુભવાયો. તેણે થોડી વાર અકારણ આમતેમ જોયા કર્યું. તેને કંઈક બોલવાની ઈચ્છા થતી હતી, પણ તે પોતાના શબ્દોની પોકળતા સમજતો હતો. તેને ખ્યાલ જ હતો કે કંઈ બોલવું એ હવામાં હાથ વિંઝવા બરાબર છે. મલાં દૂર ક્યાંક જોઈ રહી. થોડી ક્ષણો નિર્જીવતાથી પસાર થઈ ગઈ.
કાં ધનાભા કેમ છે હવે ? કહેતાં નાગજી ખાટલા પર બેસી ગયો. પછી મલાં સામે જોતા કહ્યું - કાં ભાભી, ધનાભાથી રીસાણાં છો કે શું ? બેય જણ વઢયાં હો એવું લાગે છે.
      મલાં જરા દૂર ઊભી રહી.
- કોનાથી વઢવું ભાઈ ? બોલવાના હોશ નથી રયા ત્યાં.... ધનજીએ એક પ્રબળ નિસાસો મૂક્યો.
       અરે ! અરે ! એ શું બોલ્યા ? આમ હિંમત હારી જવાની વાત ન કરો ધનાભા. ને આ તો છે શું? ટી.બી. તે કોઈ મોટી બીમારી છે ? કાલે સાજા થઈ જાશો.
- હું તો હવે સાવ તૂટી ગ્યો છું નાગા. ધનજીની આંખોમાં પીડા ઊમટી પડી.
- તો પછી અમે શું કામ છીએ. ચિંતા ન કરો. અમે પારકા થોડા છીએ. પછી મલાંને ઉદ્દેશી બોલ્યાં.
- કેમ કાંઈ બોલતાં નથી ભાભી ? મને તો કાંક કે'તા જાઓ. ને આમ શું ઊભા છો, જાવ બે અડાળી ચાય બનાવી આવો.
       મલાંને ત્યાંથી જવાનું જાણે બહાનું મળ્યું. નાગજી ધનજીની પીઠ પર હાથ મૂકી મધઝરતી જીભે બોલ્યો.
-ધનાભા, કાંઈ મૂંઝાણા છો? જે હોય તે કઈ દયો. હું બેઠો છું આઠને આડો પડું તેવો. નાગજી ટટ્ટાર થયો. ધનજી નાગજીના શબ્દોમાં નીતરતા સ્નેહમાં ભીંજાયો. તેણે બધી હકીકત નાગજીને જણાવી દીધી. ધનજી જેમ જેમ બોલતો ગયો તેમ નાગજીના મનમાં કશુંક આકાર લેવા મંડ્યું. તે ધનજીની પીઠ પર હાથ ફેરવતો રહ્યો. તેણે પૂરી ખાતરી આપી કે, દવાદારૂનો જે કાંઈ ખર્ચો થશે તે પોતે ભોગવશે. ચા બનાવવા ગયેલી મલાં ક્યારે આવે તેની વાટ જોતો નાગજી ઊંચોનીચો થઇ રહ્યો.
       ચા બનાવતી મલાં સળગતાં લાકડાને જોતી ઊભડક પગે બેઠી બેઠી નાગરજી અને ધનજીની વાતો સાંભળવાનો પ્રયત્ન કરતી હતી. એને થોડુંઘણું સંભળાતું હતું, પણ સમજાતું ન હતું. એની આગળ નાગજીનો ચહેરો તરવરી ઊઠ્યો.
 
      નાગજી આમ ઉંમરમાં ધનજીથી નાનો એટલે મલાંને ભાભી કહેતો. નાગજી અને ધનજી એક જ ગામના જમાઈ. બન્ને દૂરના સાઢુભાઈ પણ ખરા. નાગજીની પત્ની વાલુ મલાંથી નાની પણ એનાં સગાઇ અને લગ્ન વહેલાં થઇ ગયાં હતાં. સગાઈ પછી નાગજી પહેલી વાર હોળીના અવસરે સાસરે આવ્યો હતો. નાગજીનું કદાવર શરીર, કાળો વાણ, કરડો ચહેરો, લાંબી મૂછો, ઊભા ઓળેલા વાળ અને ઘોઘરો અવાજ. આ બધું જોઈને મલાંને થયેલું કે જોડી બરાબર જ છે કારણ કે વાલુ પણ શ્યામળી, અદોદળી અને એક આળસુ સ્ત્રી હતી.

       એ હોળીનાં દિવસે બપોર પછી મલાં નાગજીને ચા દેવા ગયેલી ત્યારે નાગજી એક ઢાળિયામાં એકલો જ હતો. નાગજી ચા પી રહ્યો હતો. મલાંએ ટીખળ કરતાં કહેલું :
- બનેવી, અમારી બહેનને જોઈ કે નહીં ? ગમી ને ?
      નાગજી સમસમી ગયેલો. એણે વાલુને જોઈ જ હતી. સામે ઊભેલી સાગના સોટા જેવી મલાં ઓઢણીનો છેડો મોંમાં દબાવી હસી રહી હતી. નાગજી મલાંને જોઈ રહ્યો.
-મને તો તુંય ગમે છે એનું શું ?
       મલાં હેબતાઈ ગયેલી. તેણે નાગજીની આંખો જોઈ. પછી બારણામાં ઊભાં રહી તીખાં સ્વરે બોલી :
- બનેવી, પહેલાં તમારું મોઢું ધોઈ આવો. પછી વાત કરજો.
       નાગજી ઘડીક ઓજપાઈ ગયો, પણ એને ઝાળ લાગી ગઈ. તે ત્યારે કશું કરી શકે તેમ ન હતો. મલાં તે દિવસથી જ નાગજીથી દૂર રહેવા લાગી હતી, પણ એના કિસ્મત નાગજીની સામે જ ખેંચી આવ્યા. તેની સગાઈ નાગજીના ફળિયામાં જ થઈ.

        મલાં પરણીને આવી ત્યારે ઘરમાં ધનજી અને એની મા સિવાય બીજું તો કોઈ હતું નહીં. ઘર સાવ સામાન્ય હતું, પણ મલાંએ પોતાના સ્ત્રીત્વથી ઊજળું કરી દીધું. એ જેટલી રૂપાળી હતી તેટલી જ કામઢી અને વ્યવહારકુશળ હતી. તે ફળિયામાં સૌની માનીતી હતી. નાગજી અને ધનજીનાં ઘર સામસામેની હારમાં. નાગજી પોતાના ઓટલે ખાટલા પર આડો પડી મલાંને કામ કરતી, હરતી-ફરતી, ધનજી જોડે વાતો કરતી જોયા કરતો અને બીડી ફૂંક્યા કરતો. થોડા વર્ષો પૂર્વે મલાં સાથે થયેલો તીખો સંવાદ એને યાદ આવી જતો અને એક ભૂખ તેના શરીરમાં પ્રજવળી ઊઠતી.

       મલાંએ ઘરના દીદાર તો બદલી નાખ્યા, પણ પોતાની કિસ્મત ન બદલી શકી. લગ્નને થોડાં વર્ષો થયાં અને ધનજીને ટી.બી. લાગુ પડ્યો. ઊધઈ લાકડાને ખાય તેમ બધું ખવાઈ ગયું. મલાં સતત દોડતી રહી મજૂરી કરી બધું પૂરું કરવા આમતેમ આથડતી રહી. ત્યાં વચ્ચે અચાનક તેની સાસુનું અવસાન થયું. ખર્ચામાં વધારો થયો. થોડુંઘણું હતું તે ધનજીની દવામાં વપરાતું ચાલ્યું. એ ક્યારેક અચાનક ઊંઘમાં બેઠી થઈ જતી. એક ચોક્કસ ફરક એને ઘેરી લેતી અને મલાં ખોવાઈ જતી.

       જોકે મલાં પરણીને આવી પછી નાગજી તેની સાથે બહુ સલુકાઈથી વર્તાતો હતો. ભૂતકાળમાં જે કાંઈ થયું તે એક ભૂલ હતી ને આવું કાંઈ નહીં થાય એવું મલાંને પણ લાગવા માંડેલું. એ નાગજીની વાડીએ દરરોજ કામ કરવા જવા લાગી હતી. નાગજી તરફનો ઘૃણાભાવ લગભગ ધોવાઈ જ ગયો હતો. એને એક આશા પણ બંધાઈ હતી કે ગમે તેમ તોય નાગજી એનો સગો હતો.

       તપેલીમાં દૂધ પડતાં જ ઊકળતી ચા શાંત થઈ ગઈ. મલાંએ ચૂલામાં બળતું સરખું કર્યું. એ થોડી વારે કચવાતા મને ચા લઈને ખાટલા પાસે આવી. નાગજીનો ચહેરો હસું હસું થતો હતો. નાગજી તો ફરિયાદના સૂરે કહેવા લાગ્યો :
- આ શું ભાભી ! મારાથી આટલું બધું છાનું રાખ્યું ? મને ખબર પણ ન કરો કે કોઈ તકલીફ છે. શું હું પરાયો છું ?
      મલાં સમજી ગઈ કે ધનજી અને નાગજી વચ્ચે શી વાતચીત થઈ હશે. તેણે મક્કમ સ્વરે કહ્યું :
- એમાં ઢંઢેરો થોડો પીટવાનો હોય. ભગવાન જે દી' દેખાડે તે માથા પર. સૌનું કિસ્મત સૌની સાથે.
       નાગજીને ગરમ ચા કરતાં મલાંનાં શબ્દોની ઠંડક વધારે દઝાડી ગઈ. તે મૂછો સાફ કરતાં મલાંને માપતો હોય તેમ બોલ્યો :
- તો અમે પારકા છીએ એમ જ ને ?
       મલાં થોડી વાર ચૂપ રહી. રકાબીઓ ઉપાડતાં તે બોલી : અમે એવું ક્યારે કીધું છે ? અને તમે ક્યાં આઘા છો ?

       મલાંના છેલ્લા શબ્દોએ નાગજી પાણી પાણી થઇ ગયો. એના બરછટ અવાજમાં સહેજ મુલાયમતા આવી. તેણે અત્યાર સુધીની વાતચીતમાં જાણે મલાંના છેલ્લા શબ્દો જ સાંભળ્યા. નાગજી ધનજીનો હાથ દાબી અવાજમાં શક્ય તેટલી સહાનુભૂતિ લાવી ધનજીને હૈયાધારણ આપીને ઊઠ્યો. જતાં જતાં મલાં પર એક ભરપૂર દૃષ્ટિ નાખતો ગયો.

       આજે હોળી હતી. મલાં ગઈ કાલથી જ થોડી અસ્વસ્થ હતી. નાગજી પર એને ગુસ્સો આવતો હતો. એને થતું હતું કે ધનજીને કેમ કરી જણાવવું ? એક મોટી વિવશતા એને ઘેરી ઊભી હતી. ધનજીની તબિયત પણ આજે વધારે ખરાબ હતી. તાવનું જોર પણ વધ્યું હતું. મલાં પીડાતા હૃદયે બધું જોઈ રહી હતી. શું કરવું તે સૂઝતું ન હતું. તેણે બે દિવસ પહેલાં જ ઘરને લીંપી-ગૂંપી નાખ્યું હતું. કોઈ આવનાર તો હતું નહીં. એ નવરી ધૂપ હતી. ઓશરીની થાંભલીનાં ટેકે બેઠી બેઠી બધું જોઈ રહી હતી. સૌ પોતપોતાનામાં મસ્ત હતા. તે એકલી બેઠી બેઠી સોસવાઇ રહી હતી. ક્યારેક ધનજીનાં ખાંસવાનો અવાજ આવતો હતો ત્યારે દોડી જતી. ધનજી પાસે બેસતી. ફરી પાછી ઘરમાં આવતી. કામ શોધતી. એને ગઈ કાલથી જ આશંકા હતી કે નાગજી આવશે, જુદા હેતુથી જ આવશે. અને તે સાચી પડી.

       બપોરે ઘરના અંદરના ઓરડામાં ગઈ ત્યારે ઓચિંતું અજવાળું અવરોધાયું. બારણામાં નાગજી મલકતો હતો. મલાં સ્થિર ઊભી રહી. નાગજીમાં થોડી હિંમત આવી. તેણે થોડી વાર આડુંઅવળું જોયું, પછી આગળ વધીને પાણિયારા પર કશુંક મૂકતાં બોલ્યો :
- આ પાંચસો છે. હજી વધારે જરૂર હોય તો કહેજે. પછી પણ હું બેઠો છું. ચિંતા ન કરીશ.
       મલાંની વાચા હરાઈ ગઈ. મજબૂરી અને ગુસ્સાને કારણે એના ગળામાંથી અવાજ ન નીકળ્યો. નાગજીની હિંમત વધારે ટટ્ટાર થઇ. એણે લાગલો મલાંનો હાથ પકડ્યો. મલાં સાવધ થઈ ગઈ. હાથ છોડાવતાં બોલી :
- દૂર હટો, આ સારું નથી થતું.
       મલાં બીજું કાંઈ કહે તે પહેલાં નાગજીએ મલાંને બાથમાં લઈ લીધી. તે આખેઆખો ધ્રૂજતો હતો. એણે એવા જ ધ્રૂજતા અવાજે કહ્યું :
- હોળી પ્રગટે ત્યારે તળાવવાળા ઓગનના વોકળામાં વાટ જોઉં છું.
       મલાંના કાનમાં જાણે ફળફળતું પાણી રેડાયું. એ સમસમી ગઈ. નીચું જોઈ ઊભી રહી. નાગજીની હિંમત વધી ગઈ. તેણે મલાંની હડપચી ઊંચી કરતાં કહ્યું - આવીશ ને ?

       નાગજીને સહેજ હડસેલતા મલાંએ કહ્યું - હમણાં તો જાઓ. કોઈ આવી ચડશે તો વતેસર થશે. નાગજી વિજયી અદાથી બહાર નીકળી ગયો. મલાં દાંત ભીડી કેટલીય વાર ઊભી રહી. એણે પાણિયારા પર જોયું. સો-સોની પાંચ નોટો ટૂંટિયું વાળીને પડી હતી. તેણે લોટનો ડબ્બો ઉપાડ્યો અને રસોડામાં જઈ ચૂલો પ્રગટાવ્યો. લાકડાં પર થોડું કેરોસીન છાંટ્યું કે તરત ભડભડ કરતો અગ્નિ પ્રગટી ઊઠ્યો. મલાંનાં ચહેરા પ્ર લાલ-પીળી ઝાંય તરવરવા લાગી. એ એકીટશે જોઈ રહી સળગતાં લાકડાને. એની આંખો સામે નાગજીનો લોલુપ ચહેરો તરવર્યો. એ વિચારી રહી.

       લગ્ન પછી નાગજી કેટલો શાણો લાગતો હતો ! વાડી પર કામ પણ આપ્યું. પણ એ દિવસ....
       મલાંને અત્યારે કંપારી છૂટી ગઈ.
- માથાંઢાંક બાજરી વચ્ચે છટપટાતું શરીર, ફેણ ચડાવીને ઊભેલા સાપ જેવો નાગજી.... મશીનનાં એકધારા અવાજમાં દબાઈ ગયેલા ઊંહકારા... ડૂસકાં... અને કંઈક અંશે ગુસ્સો કરવાની હિંમત પણ...
      મન પર લાગી ગયેલો કારો ઘા તાજો થયો. મલાં દાંત ભીડી કશુંક વિચારવા લાગી.

       ઘણીવાર પછી તેણે ધનજીને સ્નેહથી જમાડ્યો.
       દિવસ ઢળતાં જ છોકરાઓએ રંગ ઉડાડવાનું બંધ કરી નવાં કપડાં પહેરી લીધાં અને ઘેર ઘેર ફરી હોળીલાં ભેગા કરવા લાગ્યાં. સૂરજ આથમતાં રાયશી ભૂવાએ હોળી ખડકવાનું શરુ કર્યું. આખા વાસમાંથી ભેગા થયેલા હોળીલાંના હારડાથી પાંચ હાથ ઊંચી હોળી ખડકાઈ ગઈ. વરઘોડિયાં હોળી ફેરા ફરવા થનગનતાં હતાં. ચંદ્ર રાશવા ઉપર ચડ્યો. સૌ પરવારી ચોકમાં આવી ગયા. રાયશી ભૂવાએ આકડાની લાકડી પર લૂગડું વીંટી તેના પર ઘી રેડી અગ્નિ પ્રગટાવ્યો અને બેય ઘૂટણ ટેકવી હોળી નીચે ગોઠવેલા તલસરાને સળગતો અગ્નિ ચાંપ્યો. તડતડ કરતાં તલસરા સળગી ઊઠ્યાં અને ધીમે ધીમે આગે જોર પકડ્યું. સૌ સીંગધાણી હોમવા લાગ્યાં. રાયશી ભૂવો વરઘોડિયાને ફેરા ફેરવતો હતો.

       નાગજી ક્યારનોય ચોકમાં આવી ગયો હતો. એના હાથમાં રહેલી ધાણી પરસેવાથી ડૂચો વળી ગઈ હતી. મલાં હજી ચોકમાં આવી ન હતી. નાગજી બધાથી જરા દૂર ઊભો હતો. તેના ભીતર હોળી સળગી રહી હતી. મલાં ચોકમાં આવી ત્યારે એ મલાં જુએ તે રીતે ધાણીને હોળીમાં હોમી અને સરકી ગયો. મલાં પણ તરત ઘર તરફ વળી.

       ચંદ્ર ખાસ્સો ઉપર ચઢી આવ્યો હતો. આખો વાસ ચોકમાં ભેગો થયો હતો. હોળીની જ્વાળાઓ જોગણીની જીભ માફક લબકારા લેતી હતી. મલાંએ ઓગનની વાટ પકડી. એના કાને શોરબકોર અથડાતો હતો. એ ઓગનના વોકળામાં પહોંચી ત્યારે નાગજી વોકળામાં પાણીએ ભેગી કરેલી રેતીમાં ભેખડને અઢેલી લુચ્ચા શિયાળની માફક બેઠો હતો.

       મલાં વોકળામાં ઊતરી ત્યારે સૂનકારથી જરા ડરી ગઈ, પણ એણે હિંમત સ્થિર કરી ડર ખંખેરી નાખ્યો. નાગજીને આશંકા હતી જ કે કદાચ મલાં ન આવે, પણ મલાંને આવેલી જોઈ એ અર્ધો અર્ધો થઈ ગયો. મલાં હજી બેઠી ન બેઠી ત્યાં એ મલાંને વળગી પડ્યો. મલાંને લાગ્યું જાણે પાંસળીઓ બટકી જશે. તે મરકતાં બોલી :
- આટલી ઉતાવળ શેની છે ? આવી જ છું તો એમ ને એમ તો પાછી નહીં જ જાઉં ને ?
       નાગજી એકદમ ડાહ્યોડમરો થઈ ગયો. નાગજીને પડખે બેસતાં મલાંએ કહ્યું - વાસમાં એક હોળી બળે છે ને અંઈયા બીજી !

       નાગજી તો જોઈ જ રહ્યો. તેને તો કલ્પનાય ન હતી કે મલાં સાવ આમ માણી જશે. મલાંએ સહેજ આંખો બંધ કરી ને ઉઘાડી એટલી વારમાં તો એને કેટલુંય દેખાઈ ગયું.
- માથોડાઢાંક બાજરી, બચવા માટેનાં વલખાં, પ્રતિકાર કરવાની હણાઈ ગયેલી શક્તિ, જીવતર પગ લાગી ગયેલો કારો ઘા, ધનજીનો રોગ, કપડાં માટે રિસાયેલો હરિ.... ને ઘરની ભીંતોનાં પોલાણમાં પેસી ગયેલા સાપ જેવો નાગજી તો સામે જ બેઠો હતો.
      તેણે નાગજી સામે જોયું. નાગજીની ભિખારી જેવી દશા જોઈ તેને સહેજ દયા આવી.
      વાસમાંથી કોલાહલ સ્પષ્ટ સંભળાતો હતો. મલાંની ફરતે ભડભડ બળતી હોળી ખડકાઈ ગઈ હતી. તેણે ચણિયાના નેફા પાસે હાથ નાખ્યો.

       આ જોઈ નાગજીનાં રૂંવે રૂંવે આનંદ ઊછળવા માંડ્યો. તેણે તો વિચારેલું કે મલાં આવશે જ નહીં તેના બદલે આ તો સામેથી.... પણ તેણે મલાંની આંખો જોઈ હોત તો....

       બીજા દિવસે સવારે પાણી ભરવા નીકળેલી મલાંએ જોયું કે ગામની પરંપરા મુજબ હોળી-પડવાના દિવસે વાછરડાને ખસી કરાવવા ખેડૂતો ખીજડા નીચે ભેગા થયા હતાં. ઈબ્રાહીમ મિયાજી ધારદાર છરો લઈને ઊભો હતો.

       મલાંનાં હોઠ સહેજ વંકાયા.
[મુંબઈ સમાચાર, દીપોત્સવી - ૧૯૯૬]


0 comments


Leave comment