44 - પદ - ૪૪ દીપકના દૃષ્ટાંતમાં ગુરુએ દેખાડેલા દોષ / દયારામ


દીપકના દૃષ્ટાંતમાં ગુરુએ દેખાડેલા દોષ

દીપની કાંતિ રહિ હોય ફેલીજી, લઇએ તેહને ઘટ સંકેલીજી;
દીપકને કશી હાનિ ન આવેજી, ન્યુનાધિકતા કાંતિને કહાવેજી. ૧

ઉપમા ને ઉપમેય કથનજી, ન ઘટે એક બ્રહ્મ અનંતજી;
વળી કહ્યો ત્રીજો દ્વંદ્વ વિયોગીજી, તે ક્યમ હોય બ્રહ્માનંદ ભોગીજી? ૨

ઢાળ

એક ભોગી ને વળી ભોગ વસ્તુ, બે વિમાશી જોય;
જો એક તો આનંદ અનુભવે, તેહને ન મળે કોય. ૩

જીવ-બ્રહ્મની એકતાનું ખંડન

અદ્વૈત બ્રહ્મ અરૂપથી, પૃથક્ ના હોય પ્રકાશ,
જો ધર્મીને માયા અડે તો, સ્વરૂપનો હોય નાશ. ૪

કહે જીવ બ્રહ્માની એકતા, જાણવો અજ્ઞથી અજ્ઞ;
છે જીવ તો અલ્પજ્ઞ નિત્યે બ્રહ્મ છે સર્વજ્ઞ. ૫

વળી જીવ તો છે અનીશ્વર ને, ઈશ્વર છે પરબ્રહ્મ;
તે ઉભયની એકતા, વિદ્વજ્જન કે કહો ક્યમ. ૬

અણુ જીવ કર્માદિક વશ ભોગવે વિવિધ ક્લેશ
છે મહદ્બ્રહ્મ સ્વતંત્ર આનંદ કર્માદિક નહિ લેશ. ૭

પડે સ્વર્ગ નરકમાં જીવ એ, સંસૃતિ વારંવાર;
જન દયાપ્રીતમ કૃષ્ણભક્તિ કરે પામે પાર. ૮


0 comments


Leave comment