૫૮ - pઅડ - ૫૮ - ભક્તિના દશ પ્રકાર-નવધાભક્તિ અને પ્રેમભક્તિ / દયારામ


ભક્તિના દશ પ્રકાર-નવધાભક્તિ અને પ્રેમભક્તિ

શિષ્ય બોલીયો સુણી શુચિવાણીજી, ગુરુભક્તિ સહુથી વખાણીજી;
‘તે ભક્તિનું કહો મુને રૂપજી, અંગ અધિકારી ભૂષણ અનૂપજી. ૧

શ્રીગુરુ બોલ્યાં સાંભળ તાતજી, કહું વિસ્તારી પૂછી વાતજી;
પ્રેમસહિત છે દશધા ભક્તિજી, વ્યસન પછી આસક્તિજી. ૨

ઢાળ

નવધાભક્તિના નવ ભેદો

આસક્તિ રાખી શ્રવણ કર, છે શ્રવણ પહેલી ભક્તિ;
કીર્તન સ્મરણ પછી પાદસેવન, અર્ચન વંદન વ્યક્તિ. ૩

પ્રેમભક્તિ

દાસત્વ ભક્તિ સખ્યતા, આત્મનિવેદન નામ,
તે ઉપર દશમી પ્રેમભક્તિ, અતિપ્રિય ઘનશ્યામ. ૪

પરની દશ પ્રકારની ભક્તિ કરનારના નામો

પરિક્ષિત શુક પ્રહલાદ શ્રી પૃથુ, અક્રૂર ને હનૂમાન,
અર્જુન વળી શ્રીગોપીજન, અનુક્રમે ભક્તિદાન. ૫

પ્રેમભક્તિ ની ચાર અવસ્થાઓ

તે ઉપર આવે આસક્તિ, પછી વ્યસનાવસ્થા થાય;
તે ઉપર તન્મયતા ખરી, વળતી ન કાંઈ કહેવાય. ૬

પ્રેમની અવસ્થા ચાર છે, આસક્તિ ત્રણ વિવેક;
છે વ્યસનની બે અવસ્થા, પછી તન્મયતાની એક. ૭

એ દશ અવસ્થા થઇ તેના, પ્રકટ ભાખું નામ;
જન દયાપ્રીતમ કૃષ્ણહેતુ ભોગવી છે વ્રજવામ. ૮


0 comments


Leave comment