45 - ૧૭ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      અત્યારે રાતના બે વાગે છે. થોડી વાર પહેલાં જ હું વૃંદા પાસેથી આવી. એક વાગ્યા સુધી સુવાની કોશિશ કરતી રહી, પરંતુ ઊંઘ તો જોજન દૂર. વીતેલો સમય સતત ઝળુંબતો રહ્યો.... મારા અને વૃંદાની વચ્ચે માત્ર એક દીવાલ છે. શું એક જ દીવાલ છે ? ક્યાંક વાંચ્યું છે, ‘મેં મારી પત્નીને વનવાસ આપ્યો છે, પથારીમાં એક તસુનું છેટું રાખીને....’

      થયું, એ ન બોલે તો કાંઈ નહીં; હું તો જઈ શકું ને એની પાસે ! એ ખુરશીમાં બેસીને વાંચતી હતી. જઈને એની પાછળ ઊભી રહી. એના બંને ખભા પર હાથ મૂકી આગળ ઝૂકી એના કપાળે ચુંબન કર્યું. કોઈ જ પ્રતિભાવ નહીં. એને ખુરશી સમેત મારી સામે ફેરવી, પરંતુ... ‘સોરી મીરાં, મારે વાંચવું છે....’

      એ મને કંઈ પણ કહી શકે. એનો અધિકાર છે, પણ આંખ મેળવીને. એ સતત મારાથી નજર બચાવતી લાગે છે. કેમ ? શું કોઈ બીજા કારણસર એ શુભાંગીની રૂમમાં રહેવા ગઈ હશે ? ના, મારે એટલા બધા લાગણીશીલ ન બનવું જોઈએ કે વાતનો સ્વાભાવિક અર્થ જ ખોવાઈ જાય. પણ મન છે કે.....’


0 comments


Leave comment