6 - ભાષા / સૌમ્ય જોશી


(ભાષા નામની આ મારી સંગીની મારી સાથે ત્રણ રીતે વર્તે)

(૧)

ક્યારેક,
હું ધીમા તાપે સીઝવા ચડ્યો હોઉં ત્યારે
મેળેથી લાવેલા ઝાંઝરની રૂમઝૂમ વધારતી એ ઉરકવા માંડે બધાં બાકીના કામ.
બ્હારનાં દરવાજા સામે પડતી અંદરની બારી ખોલીને આંકડો ભરાવીને એ કાયમી કરી આપે હવાની અવરજવર.
અંદરની મજૂસ યાદ કરીને એમાંથી કાંસાનાં પવાલાં કાઢે, બાપ-દાદા વખતનાં
ને પછી એમાં ભરી આપે આજ સવારના કૂવાનું પાણી
સંજવારીમાં કઢી આપે ઘણું બધું
કાંકરા ચાળવા ને ચા ગાળવા બેસે
નવેસરથી લીંપી આપે ફરસ
પતરાળી કાઢીને બાજુમાં હાથપંખો મૂકે
ને પછી તુલસીક્યારે પરકમ્મા કરતી રાહ જુએ મારી
હું તૈયાર થાઉં ત્યારે તૈયાર હોય બધ્ધુંય
પછી પાટલો ગોઠવાય
ને ચામડી પર છૂંદેલું મારું નામ મને ચોખ્ખું દેખાય એવા એના હાથે
એ મને પીરસી દે મારી પતરાળીમાં
હું મને ભાવી જઉં એ રીતે

(૨)

તો ક્યારેક,
તોફાની પવને ગાંડા કરેલા ચૂલા પર હું ભડભડ શેકાતો હોઉં ત્યારે
પાલવનો છેડો પદરમાં ખોસીને એ ધબાધબ પગલે ઝડપથી ઉરકવા માંડે બધાં બાકીનાં કામ
છરી –ચપ્પવાળાને રોકી તણખા કરાઈને ધાર કઢાઈ લે.
સજડબમ્બ દસ્તાથી પીસી કાઢે લાલ મરચાં,
આંખ બાળે એવી ડુંગળી ફાડે હાથથી,
ને ઓસરી સૂંઘતા કૂતરાની આંખ ટાંકીને ભગાડવા ઉગામેલા પથરા ઓથે રાહ જુએ મારી
હું તૈયાર થઉં એટલે મને ચૂલેથી ઉતારી લે,
બ્હારી ખોલે ને એમાંથી બહાર નિકાળે મારી વરાળ,
હું સ્હેજ ઠંડો પડું ને ગામ સ્હેજ બફાઈ જાય એ રીતે

(૩)

તો ક્યારેક વળી
બે સસલાં ખાધેલાં અજગરની આળસે એ પડી હોય બાજુમાં ગૂંચળું થઈને.
ઊઠવાનું નામ ના લે,
હું બઉ ઢંઢોળું તો બગાસું ખાઈને બોલે,
‘તારી બંધ મિલ માટે સાઈરન નઈ વગાડું ભઈ,
અત્યારે તું નથી સીઝતો કે નથી શેકાતો
કશું સળગ્યુંય નથી ક્યાંય,
પેટ્યાની હાલત કે પેટાવાની ધગશ વગરનાં તારાં અમથાં નખરાં પાછળ વૈતરાં નઈ કરું હું,
સૂવા દે,
અત્યારે કામ નઈ આવું,
આ મારી સાડીમાં ભરાવેલા વજનદાર ઝૂડામાં ભરાવેલી સહસ્ત્ર ચાવીઓમાં ખાલી ઘરના તાળા માટે એકેય નથી,
એકેય નઈ.


0 comments


Leave comment