8 - શબરી / સૌમ્ય જોશી


અડગ ઊભી છે અણસારે, ભણકારે શબરી;
પર્ણ પવન બન્ને છે, ક્યાંથી હારે શબરી ?

દૂર દૂર લગ રામ નથીનું દરદ રહ્યું નઈ,
વૃદ્ધ આંખની ઝાંખપના આભારે શબરી.

સાચે તો વનવાસ થવાનો ત્યારે પૂરો,
વાટ નીરખવું છોડી દેશે જ્યારે શબરી.

તેં ઘેલીએ શું ખવરાયું રામ જ જાણે,
એ દિવસે તો બધુંય મીઠું ત્હારે શબરી.

રામ એકદા પાછો જઈ તું ચખજે એ પણ,
બોર જેટલાં આંસુડાંઓ સારે શબરી

કલ્પવૃક્ષની પાસે પણ એ બોર જ માગે,
સ્વર્ગ મળે તો ત્યાંય ઊભી’રે દ્વારે શબરી


0 comments


Leave comment