૧૨ હાથમાં પાસા નથી તો શું થયું, જૂગટું મનમાં રમાતું હોય છે / સંવાદ / જ્વલંત છાયા


      જુગાર રમાય કે ન રમાય ? વનલાઈન આન્સર જોઈએ છે ? જો સુખી થવું અને રહેવું હોય તો જુગાર ન રમાય પરંતુ સફળ થવું હોય તો જુગાર રમવો પડે. આપણી ડિકસનેરીમાં સુખની વ્યાખ્યા જો આર્થિક, સામાજિક રીતે સદ્ધરતાની હોય તો જુગાર રમવો જ પડે. જુગાર રમવો પડે એટલે પત્તા ટીચવા કે ઘોડીપાસાની ય વાત નથી. સ્પેક્યુલેશન, ફાયદો થવાની આશા અને નુકસાન વેઠવાની તૈયારી સાથે લેવાતું જોખમ એટલે જુગાર. અસલ બાળપણમાં રમતા એ સાપસીડીની રમત જેવું, ૩ ના અંગથી સિડીમાં સીધા ૬૦ એ પહોંચીએ અને ૯૯ ના ખાના પાસે કૂકરી અટકે ત્યાં ફણીધર ફેણ કાઢીને બેઠો હોય તે સીધા ફરી ૧૦ મા નંબરે પટકાઈએ ! લગભગ લગભગ કહી શકાય કે માનવની ઉત્પત્તિ પછી બહુ ઓછા સમયમાં આ જુગાર પણ પૃથ્વી પર અવતર્યો હશે અને વળી એ પણ હવા, પ્રકાશ, ચંદ્ર, સૂર્યની જેમ બધે જ સરખો. જુગારની સંસ્કૃતિને સીમાડા નડતા નથી.

      જેને રમવું જ છે, સતત કમાવું (?) જ છે તેમને કોઈ મૌસમનો બાધ નડતો નથી. પરંતુ કેટલાક લોકો જુગારની બાબતમાં ઋતુગામી હોય છે, તેથી તેઓ શ્રાવણ માસમાં જુગાર રમે છે. અને આપણી ઉદારતા તો જુઓ, આ જુગારને આપણે પાછુ નામ આપી દીધું છે, 'શ્રાવણિયો જુગાર' એટલે એ જુગારમાં આપણી સોસાયટી કન્વીન્સ છે ! એમ મનાય છે કે જે ક્યારેય જુગાર રમે નહીં તે શ્રાવણ માસમાં તો રમે અથવા રમી શકે ! કદાચ મંદિરે વધારે જતા હોઈએ એટલે પેલા દૂધના અભિષેકમાં પાપ ધોવાઈ જતું હશે ! આપણે ત્યાં તો પાછું હરિના જેમ નામ હજાર છે અને કંકોતરી ક્યાં નામે લખવી એ વિટંબણા હોય છે તેમ હરિના ઉપયોગ પણ એટલા બધા છે. કોઈ ભીંતે ઊભા રહીને લોકો પેશાબ કરતા હોય તો ત્યાં ભગવાનનું નામ લખી નાંખવાનું ! કોઈ પાનની પિચકારી મારે તે ખૂણામાં ભગવાનના પોસ્ટર ચોંટાડી દેવાના. એમ જ જુગાર રમવું છે એટલે શ્રાવણ માસનો આશ્રય લઇ લેવાનો ! શ્રાવણ માસમાં જુગારને સામાજિક માન્યતા મળી જાય છે. એયને બધે મંડાય છે ચોપાટું, પત્તાનો જુગાર, ઘોડીપાસા, નાલ ઉઘરાવવી ને એવું તો કેટલુંય !

      બેઈઝીક થિયરી એવી છે કે શ્રાવણ માસ ઓલમોસ્ટ વરસાદનો મહિનો છે, વાવણી થઈ ચૂકી હોય, સરવડાં વરસતાં હોય, ખેડૂતને અંદાજ હોય કે વરસ કેટલા આની જશે, અન્ય લોકો પણ ઘરની બહાર નીકળી શકે તેમ ન હોય, પ્રવૃત્તિ શું કરવી ? તેથી કદાચ પત્તાં રમવાનું શરુ થયું પરંતુ એમ વેજીટેરીયન રમવામાં શું ? એવો કોઈને વિચાર ઝબક્યો હોય અને તેથી પટમાં પૈસા મુકાવા શરુ થયા. જુગાર જૂની રમત છે કારણ કે ત્યારે ટાઈમપાસ માટે કોઈ સાધન નહોતાં. હવે આજે તો ગ્રામ્ય જુવાન પણ હાથમાં સ્માર્ટફોન લઈને ફરે છે ! ટાઈમપાસ એ હવે અઘરી બાબત નથી, પરંતુ તો ય જુગાર તો રમાય છે ધમધોકાર.

      આ થિયરી મુજબ તમ હવે ઉપકરણ વધ્યા તો જુગાર છૂટી જવો જોઈએ પરંતુ વિજ્ઞાને તો જુગારને વૈશ્વિક બનાવી દીધો છે. ઈન્ટરનેટ ગેમ્બલિંગ મોટાં પ્રમાણમાં થઇ રહ્યું છે. અઢળક સાઈટ્સ છે જે આપણને આપણી ઓફીસના ટેબલ કે ડ્રોઈંગરૂમમાં બેઠા બેઠા લાખો કમાઈ આપે છે અને કરોડો ગુમાવવામાં પણ મદદ કરે છે ! હવે જુગાર શ્રાવણ પૂરતો મર્યાદિત રહ્યો નથી, બારમાસી થઇ ગયો છે. જુગારનો એક પેટા પ્રકાર છે - સટ્ટો. અને ક્રિકેટમાં આ સટ્ટો અબજોમાં રમાય છે, મોબાઈલ પર સતત બુકીઓ, પંટરો સંપર્કમાં હોય - ઓવર શરુ થાય અને ભાવી નીકળે આ ઓવરના અંતે ૨૦૦ રન થાય ન થાય, સેસન, ઇન્ડિયા ૨૫ પૈસા, ઇંગ્લેન્ડ સવા રૂપિયા... નથી સમજાતું ? કાંઈ નહીં અહીં કાંઈ સટ્ટાનું ટ્યુશન થોડું ચાલે છે !

      મૂળ વાત છે જુગારની અને આપણી પરંપરા અનુસાર શ્રાવણમાસ શિવભક્તના મહિનાની જેમ જ લક્ષ્મીમાતાને શોર્ટ-વેથી ઘરે લઈ આવવાનો મહિનો છે. પરંતુ આ તો સ્થૂળ જુગારની વાત થઇ, બાકી માણસ આમ જોવો તો આખી જિંદગી જુગાર રમે છે. જોખમ લે છે. જુગારની સીધી અને નાની વ્યાખ્યા શું ? અનિશ્ચિતતા. તો ભાઈબંધો, જીવનમાં એવું શું છે કે જે નિશ્ચિત છે ? જે પહેલેથી જ નક્કી છે ? કાંઈ જ નહીં. એ અર્થમાં 'જિંદગી હૈ એક જુઆ'. પરીક્ષા આપવી એ જુગાર છે, અલબત્ત ત્યાં પુરુષાર્થ છે જ પણ પેપર કેવા નીકળશે તે કોણ કહે ? વ્યવસાય સ્વીકારવો, ધંધો માંડવો એ પણ જુગાર છે કોને ખબર કેવું ચાલશે ? લગ્ન છોકરી અને છોકરા બંને માટે જુગાર છે ! ક્યારેક એ બે પત્તાની રમત બની જાય છે, રાણી અને ગુલામ ! જીવનના દરેક તબક્કે જુગાર છે, અનિશ્ચિતતાઓ છે, સંતાન થશે તે કેવું થશે ? બુઢાપો કેવો જશે ? પેન્શન કેટલું વધશે ? આ વખતે સ્યુગર કેટલું આવશે ? કાર્ડિયોગ્રામનો રીપોર્ટ કેવો આવશે ? એમિલી ડિક્સન કહે છે, 'આઈ ડેલ ઇન પોસીબીલીટી' હું શક્યતાઓમાં વાસુ છું, શક્યતા શબ્દ જુગારના કૂળનો જ છે હો. સ્હેજ મેકઅપ કરીને નીકળે છે. જેમણે થોડું પણ આગળ વધવું છે, જેઓ થોડા પણ મહત્વાકાંક્ષી છે. તેમણે જુગાર રમવો પડે છે, પત્તા ઉતરવા પડે છે, પાસાં ફેંકવા પડે છે, કાંઈક હોડમાં મૂકવું પડે છે. માણસનો સ્વભાવ જુગારી છે. સફળતા માટે આ રિસ્કફેક્ટર અનિવાર્ય છે. જ્યાં, જે, જેવું છે તેવું સ્વિકારી લેવાની હિંમત હોય તો જુગાર નથી અને હારજીત નથી. સુખ અને શાંતિ માટે જુગારની જરૂર નથી, સફળતા, સંપત્તિ, સમૃદ્ધિ માટે જુગાર રમવો પડે, મીન્સ જોખમ લેવું પડે.

      કેટલાંક લોકો જીવનમાં બહુ જોખમ લેવા માંગતા નથી હોતા, શાંતિથી જીવે છે. ચિનુ મોદીનો શેર છે, 'ધાર કે સામેની દુકાને વેચાય છે સ્વર્ગ, પણ કોણ ઓળંગે સડક ધારણાના નામ પર !' જો કે કેટલાક તબક્કા એવા છે કે જે જીવનમાં આપણને જોખમ તરફ લઇ જ જાય છે. કોઈ એક સિસ્ટમ એવી છે જ્યાં આપણે પણ ચાલ ચાલવી કે બદલવી પડે છે. અને આખરે માણસનો જીવ છે તેને વધુ કમાવાની, સારી જિંદગી જીવવાની ઈચ્છા થાય, કોઈ પદ ઝંખે કોઈ પ્રસિદ્ધિ અને તે બધી બાબતો માટે કોઈ ને કોઈ રીતે જુગાર ચાલુ હોય છે, રમત ચાલુ હોય છે, ચાલ ચલાતી હોય છે. શકુનિ એ રીતે આપણા આદ્ય જુગારી છે, પાસા ફેંકી ફેંકીને શકુનિએ પાંડવોની પત્ની, પ્રતિષ્ઠા બધું જ છીનવી લીધું હતું. અલબત્ત જીવનના જુગારમાં દર વખતે સામસામે બે પક્ષ બેસે તે જરૂરી નથી, નોકરી હોય, ધંધો હોય, પ્રગતિ હોય, પરીક્ષા હોય કે ભાઈઓ ભાઈઓ વચ્ચે મિલકતોની વહેંચણી કે પછી ઓફીસ પોલિટિક્સ કે સંબંધના તાણાવાણા કે રાજનીતિ - ન દેખાય એ પાસા વધુ અસરકારક હોય છે, વિવેચક હોવા છતાં વિવેકી એવા મિત્ર કવિ નિતીન વડગામાનો દાદ ડીઝર્વિંગ શેર છે, 'હાથમાં પાસાં નથી તો શું થયું, જૂગટું મનમાં રમાતું હોય છે. !

      યસ, જુગાર ફક્ત ફિઝીકલ એક્ટીવીટી નથી. પાસાં ફેંકતાં કે પત્તાં ઉતરતાં આંગળાં તો માધ્યમ છે, કમાંડ તો મગજ જ આપે છે ને ? જીવનમાં કાંઈ પણ ગોઠવણ કરીએ આખરે મન, મગજ જ બધું કરે છે ! કોઈ પણ જોખમ લઈએ મનની મજબૂતી મહત્વની છે. ગમે તેવું ખડતલ શરીર મનની શક્તિ વગર પહાડ ચડી શકતું નથી કે નદી ઓળંગી શકતું નથી અને કોઈને હરાવવા, પછાડવા, પાછળ રાખવા, ફસાવવા, માનસિક પરિતાપ આપવા માટે પણ જાડાં શરીર કરતાં શાતિર, થોડા શૈતાનીદિમાગની જરૂર હોય છે.

      આ જુગાર કાંઈ આપણા મંદિરોના ઓટલે કે કોઈની વાડીમાં કે પોલીસ સ્ટેશનની પાછળ જ રમાય છે એવું નથી. આજે જ રમાય છે તેવું નથી. કેસિનો આપણે ત્યાં ભલે પ્રતિબંધિત હતા, મહાભારત સમયે તેની કલ્પના હતી, અને તેણે ધૃત સભા કહેતા ! મહાભારતમાં ધૃતસભાનું મહત્વ છે, ઉલ્લેખ છે એવું કહેવું યોગ્ય નથી કારણ કે વિશ્વનું સૌથી મોટું ગણાતું તે ધર્મયુદ્ધ ધૃતસભામાં પાંચાલીના હૈયામાં થયેલા કંપનો આફ્ટરશોક હતું. જુગાર ન રમાયો હોત, દ્રૌપદી હોડમાં ન મુકાઈ હોત તો ? તો આપણને ભાગવતગીતા જેવું મહાન ભાથું ન મળ્યું હોત. જુગારનો એ ખેલ શકુનિના એ પાસાંને આજની ભાષામાં આપણે પ્રોક્સીવોર કહી શકીએ. યુદ્ધમાં આપણને ન પહોંચી શકનાર પાકિસ્તાન જેમ બ્લાસ્ટ કરાવીને ચાળા કરે છે તેમ બાહુલ્યથી ભરપૂર પાંડવોને હરાવી નહીં શકાય તેવું જાણી ગયેલા શકુનિએ ચોપાટને રણભૂમિ બનાવીને પાસાને મેદાનમાં ઉતાર્યા હતાં ! ધ્રુવ ભટ્ટની નવલકથા અગ્નિકન્યા ન વાંચી હોય તો વાંચજો, ખ્યાલ આવશે જુગાર અને તેના પરિણામો શું છે ? પરંતુ શાહબુદ્દીન રાઠોડ યાદ આવે, કે ઈતિહાસમાંથી માનવી એટલું જ શીખ્યો છે કે તે ઈતિહાસમાંથી કાંઈ શીખ્યો નથી.

      અરે જુગારીઓને ગૌરવ થાય તેવી વાત તો એ છે કે મિર્ઝા ગાલિબ પોતાના ઘરે જુગાર રમાડતાં તેને લીધે તેણે બે વાર જેલવાસ ભોગવવો પડ્યો હતો. ૧૮૪૧માં તો ઘરે જુગાર રમાડવાના ગુનામાં તેમને ત્રણ માસ જેલની સજા થઇ હતી, એ તારીખ હતી ૨૫ મી મે, શ્રાવણ માસ નહોતો !

      જુગાર માનવ સંસ્કૃતિની પૌરાણિક રમત છે. લગભગ દરેક દેશની દરેક પ્રજા પોતાની પદ્ધતિ અનુસાર જુગાર રમતી આવી છે. ઈસવીસન પૂર્વેથી મહાભારત કાળથી તે ભારતમાં રમાય છે, ગામડાંઓમાં કૂકડા અને બકરા લડાવવાની રમત, ગાડાંની રેસ કે પછી પશ્ચિમમાં થતી બુલફાઈટ જુગાર છે. પત્તાથી રમાતી તીનપત્તી, રમી તો જાણીતી રમતો છે. પત્તાની કેટ, જાણે વિવિધ રંગી આયુષ્ય - તદબીર સે બિગડી હુઈ તદબીર બના લે અપને પે ભરોસા હૈ તો યે દાવ લગા લે.'

      ચાઈનામાં ઈસવીસન પૂર્વે ૨૩૦૦માં જુગાર રમાતો હોવાનો સંદર્ભ ઈન્ટરનેટ આપે છે. તો ઈસવીસન પહેલાં ૧૫૦૦માં ઈજિપ્તમાં પણ જુગાર રમાતો અને તેના હિસાબો પણ રખાતા, તેવું ગીઝાના પિરામિડમાં લખ્યું હોવાનો ઉલ્લેખ છે. ગ્રીસમાં કાયદો મંજુરી નહોતો આપતો તો ય સૈનિકો જુગાર રમતા. એક એવો પણ યુગ હતો જ્યારે રાજ્યોની માલિકી નક્કી કરવા માટે પાસાનો ઉપયોગ થતો. નોર્વે અને સ્વીડનના રાજાઓ વચ્ચે પાસા ફેંકીને જ આ નિર્ણય થયો હતો અને નોર્વે જીત્યું હતું. જુગાર કોઈનું ભલું ન કરી શકે એમ ? બ્રિટનમાં સંખ્યાબંધ યુનિવર્સીટી અને સેંકડો હાયર સેકન્ડરી સ્કૂલના નિર્માણ માટે ત્યાની સરકાર લોટરી બહાર પાડતી. ૧૭૬૯માં લોટરી પર ત્યાં પ્રતિબંધ મુકાયો હતો. અને મિસીસિપી નદીનો વિસ્તાર જુગારનું થાણું હતું. રિવરબોટ કેસિનોનો જમાનો હતો.

      પછી કેસિનો આવ્યા, લાસ વેગાસ જુગાર મહાનગર બન્યું અને ૧૯૭૭માં ન્યુજર્સીમાં જુગારને કાયદેસર રૂપ અપાયું. લ્યુસિનીયામાં ૧૯૯૦માં રિવરબોટ કેસિનોને લીગલાઈઝ્ડ કરાયા... દાસ્તાં મોટી છે, અને મહત્વનું એ છે કે છૂટ હોય કે ન હોય, જુગારધામ હોય કે ન હોય જુગાર રમાતો રહે છે, બધે જ. લોકો જીતતા રહે છે હારતા રહે છે. જીવનને જુગાર માનવું એ ફિલોસોફી છે.જુગારને જીવન માની લેવું એ મૂર્ખતા છે. હારેલો જુગારી બમણું રમે છે, બમણું રમવાથી જીતવાની ગેરેંટી નથી મળતી. પણ તોય યાર જીતીએ તો કેવું સારું કાં ? શું કરીએ તો જીતીએ ? ફિલ્મ ૩૬ ચાઈનાટાઉનનો એક ડાયલોગ છે, 'જુએ મેં જીતને ક કોઈ ફોર્મ્યુલા નહીં હૈ, નહીં હારને ક ફોર્મ્યુલા હૈ, જુઆ મત ખેલો.0 comments