52 - ૧૯ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આજકાલ સાંજે લાઇબ્રેરીથી જલદી હોસ્ટેલ જવાનું મન નથી થતું. એમાંય સંદર્ભ-ગ્રંથ સૂચિ તીયાર કરવા માટે ઇન્ડેક્સ કાર્ડસ જોતાં જોતાં ખબર ન રહી કે સાડા આઠ થઈ ગયા છે. આમે ય આજકાલ આવાં ટેકનિકલ કામ જ થઈ શકે છે. રોડ પર આવી તો ખાસ્સું અંધારું થઈ ગયું હતું. છેલ્લા બે દિવસથી ઠંડીનો સહેજ ચમકાર પણ છે. યુનિવર્સિટીથી લેડિઝ હોસ્ટેલનો રસ્તો સૂમસામ હતો. થયું, લાવ રિક્ષા કરું, પણ પછી વિચાર્યું ચાલતી જઈશ. સંભવ છે – આંબા, લીંબડા અને શિરીષ પર છવાયેલી વસંત મારી ઉદાસી લઈ લે. ઊતરતાં અંધારામાં હળવે હળવે ટહેલતી હવા મારા ચીમળાયેલા વિચારોને ફ્રેશ કરી દે... પરંતુ માંડ વીસેક ડગલાં ચાલી હોઈશ કે પાસેથી સ્કૂટર હોર્ન વગાડતું પસાર થયું. હજુ એણે પાડેલી ખલેલ પર ખીજ ચડે એ પહેલાં એ પાછું વળ્યું. આ વખતે સ્કૂટરસવાર સાભિપ્રાય હોર્ન વગાડતો-વગાડતો ગયો. એણે મને જાતમાંથી ખેંચીને બહાર આણી. ઝડપથી ચાલી. પી.આર.એલ.ના સ્ટોપ પર ઊભી રહી ગઈ, રિક્ષા કે બસ જે મળે તે લેવા. મેં જોયું, ત્રીજી વાર સ્કૂટર મારી પાસેથી પસાર થયું અને અટીરાના ગેઈટથી થોડે આગળ જઈ ઊભું રહ્યું. દસેક મિનિટ પછી બસ આવી. એ દસ મિનિટનો સમય કેમ પૂરો થયો, એ તો મારો રામ જાણે !

      સતત મનમાં થાય છે, એ માણસે કેમ આમ કર્યું ? શું હું એને એવી ચાલુ લાગી હોઈશ ?


0 comments


Leave comment