13 - સેલ્સમેન / સૌમ્ય જોશી


શી ખબર આ બારણે હું શું થવાનો,
આ અજાણ્યા સાગ પરથી લોહની જાળી નીરખતો ટેરવા પર લઈ ઊભેલો ડિંગડોંગ હું કોણ છું ?
શું થવાનો છું અહીં હું ?
ક્યાં થઈશ ડિવિડન્ડના એક ચેકની આશા ઉપર પાણી ફરેલું,
કે થઈશ ગામે ગયેલો રામો પાછો આવી ગ્યાના હર્ષને લાગેલો ધક્કો,
લેણદારોના ડરેથી ક્ષણની મુક્તિ પણ થઉં હું,
કે થઉં હું ‘ભાઈ કાગળ ના લખે’ની ચીડમાં બમણો વધારો.
શી ખબર આ બારણે હું શું થવાનો ?

ને શી ખબર કેવું હશે આ બારણું ?
કઈ કથાનો સાર થઈ ઊભું હશે ?
ભીતરે શું લઈને બહાર શું ત્યજી દીધું હશે ?
બંધ શેનાથી થયેલું ?
ટેવથી કે વહાલ કે બળથી હશે ?
ક્યાં તો કોઈ કેદ ભીતર થઇ ગયેલું,
અથવા કોઈ હોય બહાર રહી ગયેલું,
અથવા કોઈ વાસી દઈને સ્ટોપરો છેક ઘરઘત્તાની હદનું સુખ રહ્યું હો મેળવી.
શી ખબર શાને વસાયું ?
ઢાંકવા કે રક્ષવા ?
‘આવજો’ની બાદની ભીની નજરથી બંધ થે’લું ?
કે પછીથી ‘આવ’ના ટહુકા પછી વાસી દીધેલું ?
શી ખબર કેવું હશે આ બારણું ?

બસ ખબર છે એટલી કે બોલવાનું
‘બેની સાથે એક મફત છે,
ફીણતો જોજો પછી કે’જો મડમ,
હા નવી છે કંપની ના ક્યાં કહું છું,
એટલે તો આટલો સસ્તો દઉં છું,
સ્કીમમાં છે ટ્રાય કરવા તો લઈ લો,
ના ગમે તો આવતા ફેરે દઈશ પૈસા પરત,
જોઈ તો લો બે’ન, ગેરંટી, ફરીથી માગશો,
લઈ લો મેડમ, સર લઈ લો.’
લઈ લો કહું છું પણ દઉં છું ક્યાં ખપે જે એમને.
તો પછી ક્યાંથી મળે નિસ્બત નજરમાં
ઇચ્છવાના હોય શેના આવકારો
બારણાંની પારના નિસ્તેજ એ ચહેરા ઉપરની સહેજ ફિક્કી ચીડને શું કોસવાની.
લઈ લો કઉં છું પણ દઉં છું ક્યાં ખપે જે એમને,
વાંક ક્યાં છે એમનો કંઈ ?
પણ નથી મારોય તે.
હું સવારે છોડીને જે બારણું નીકળું છું એ પર,
રાતના હકથી ટકોરો દઈ શકે મુજ આંગળી એ કાજ બીજા દ્વાર પર આખો દિવસ મારું ટકોરા.
મારા દરવાજાની અંદરને ઉજાળું બહારથી હું,
પરવા નથીની ના કરું પરવા કદીયે,
એ ફક્ત બોલ્યા કરું કે
;બે ની સાથે એક મફત છે,
ફીણતો જોજો પછી કે’જો મડમ.’
વાંક ક્યાં છે એમનો ? મારો ? કે ક્યાં છે કોઈનોયે ?


0 comments


Leave comment