14 - ગીધ્ધો * / સૌમ્ય જોશી


ધૈર્યની અંતિમ કસોટીમાં ખરાં ઊતરેલાં ગીધ્ધો,
શાંત રહીને,
હોજરીને ચૂપ કહીને,
રાહ જોતાં, ચિત્ત ચાતકનું લઈ બેઠેલાં ગીધ્ધો.
ભૂખ બોલે તો જરા એ પાંખ ખોલે,
ડાળ ફોલે તો જરા જઈ આભ ઠોલે,
હદમાં હદ તો શું હવાને ચાંચ મારે,
બઉમાં બઉ તો એક તીણી ચીસ પાડે
આંખ ફાળે
પેટમાં તડકો ભરી લે
ખુદની સામે અર્ઘ્યમાં ખુદને ધરી લે,
બે’ક ક્ષણ જાતે મરી લે,
ને પછી પોતે જ પોતાનું થઇ પકવાન બેસે,
જાતમાં પંજાઓ પેસે,
જાત ઠોલે ને ટટોલે,
જાતને ચીરે ને ચગળે,
ચાંચ મારી જાત ચૂંથે,
જાત ફાડી જાત ગૂંથે,
પણ ચળે નઈ,
જાત ફાળે પણ ચળે નઈ,
ને સડેલું કંઈ જડે નઈ, ત્યાં સુધી સંયમ સડે નઈ,
કે સમય અડકે એ પહેલાં કોઈને પણ એ અડે નઈ,
હોય છે કંઈકેટલુંયે
એક પંજાથી પરાજિત થાય એવું કેટલુંયે,
કે તરતમાં હોજરીમાં જાય એવું કેટલુંયે,
પણ ચળે નઈ,
આંખ વાળે એ દિશામાં એ વળે નઈ,
મૌન બેસે આંખ દર્શાવે એ સઘળું જોઇને પણ,
મૌન બેસે એક મોટી ચીસ વચ્ચે હોઈને પણ,
મૌન બેસે,
જીવતાની જીવતા પરની તરાપો જોઈને પણ,
ન શિકારો જોઈને પણ,
ને છરી, ચપ્પા ને અગ્નિના પ્રકારો જોઈને પણ,
ને અકાળે કાળ પર થાતા પ્રહારો જોઈને પણ,
ને સમયના સાર પર થાતા પ્રહારો જોઈને પણ,
તંગ પ્રત્યંચા, ટ્રિગર પર ટેરવાંઓ જોઈને પણ,
ને કુરુક્ષેત્રો ભણીનાં કારવાંઓ જોઈને પણ,
શક્તિઓ પર સમજણોની ધાર ચડતી જોઈને પણ,
નાનું દેખી તરત મોટી ત્રાડ પડતી જોઈને પણ,
મૌન બેસે,
કંઈ શીખે નઈ, કંઈ ભણે નઈ,
જે જુએ છે એ કરે નઈ,
હોજરી પર છો ચડે થોડાક સોજાઓ વધારે,
છો પવન ઊંચકે પ્રતીક્ષાઓના બોજાઓ વધારે,
પણ ચળે નઈ,
એ સમય કે જેણે તોડ્યું કોચલું એને છળે નઈ,
આંખ વાળે એ દિશામાં એ વળે નઈ,
આંખ સામે આત્માનો અર્ક લઈને,
આખરે તો ઓડકારો પણ હવા એ તર્ક લઈને,
કો’ઋષિના મંત્રની મૂરત થઈ બેઠેલાં ગીધ્ધો,
ને સમયને સંયમોની ભેટ દઈ બેઠેલાં ગીધ્ધો,
શાંત રહીને,
             હોજરીને ચૂપ કહીને,
ખુદના પંજાને સકંજામાં લઈ બેઠેલાં ગીધ્ધો,
રાહ જોતાં, ચિત્ત ચાતકનું લઈ બેઠેલાં ગીધ્ધો,
ધૈર્યની અંતિમ કસોટીમાં ખરાં ઊતરેલાં ગીધ્ધો.

[* આ કવિતા પૂરતો ગીધોનો ઉચ્ચાર અન્ય કેટલીક ભારતીય ભાષાઓમાં થતો હોય છે એ પ્રમાણે ‘ગીધ્ધો’ કરવાનું મન થયું.]


0 comments


Leave comment