39 - મહાપંથની સાધનાનું સ્વરૂપ અને સંતકવિયત્રીઓ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      પ્રાચીન સંસ્કૃતિની બહુ મોટી પરંપરા તથા અત્યંત ધાર્મિક વલણો ધરાવતો અને શ્રદ્ધાળુ માનવીઓથી ભરેલો સૌરાષ્ટ્ર પ્રદેશ ભક્તિ અને સાહિત્યના ક્ષેત્રમાં અપાર વૈવિધ્ય ધરાવે છે. અહીં કંઈ કેટલીયે વિભિન્ન સાધના પ્રણાલીઓ ધરાવતી સંત પરંપરાઓનો ઉદભવ થયો છે, જેણે સંતવાણીની આજ સુધી અવિરતપણે વહેતી રાખી છે.

      સૌરાષ્ટ્રના સંત-સાહિત્યમાં, ભજનવાણીમાં સ્ત્રી સંતોની વાણી એની આગવી નીતિ સંવેદના અને અભિવ્યક્તિને કારણે અનોખું સ્થાન ધરાવે છે, જેમાંની 'મહાપંથનાં સંત-કવિયત્રીઓની રચનાઓ' વિશે આછી જાણકારી આપવાનો આ પ્રયાસ છે. 'મહાપંથ' શું છે ? એ જાણ્યા સિવાય આ ભજનરચનાઓમાંનાં સાધના અને સિદ્ધાંતો વિશેની ચર્ચા અપૂર્ણ ગણાય એટલે પૂર્વભૂમિકારૂપે 'મહાપંથ'નો પરિચય આપીને પછી મહાપંથનાં સ્ત્રી સંતોનાં જીવન અને કવન વિશે થોડી વિગતો અહીં આલેખવાનો ઉપક્રમ આ નિબંધમાં જાળવ્યો છે.

      સૌરાષ્ટ્રની કેટલીક લોકજાતિઓમાં આજે પણ ગુપ્તપણે મહાપંથની અનેકાનેક શાખા-પ્રશાખાઓ સચવાઈ રહી છે. મૂળ શાક્ત અને શૈવ ઉપાસનાનો જેમાં અદભૂત સમન્વય થયો છે એવા આ અતિ પ્રાચીન લોકધર્મમાં નારીને જે મહત્વ અપાયું છે એ અદ્વિતીય છે. કંઇ કેટલાય વિભિન્ન નામોથી ઓળખાતા આ સંપ્રદાયમાં પ્રાદેશિક અને વૈયક્તિક અસરોને કારણે અનેક ફાંટાઓ પણ પડ્યા છે, છતાં દરેક ફાંટાના મૂળમાં સાધનાનું સ્વરૂપ અને સિદ્ધાંતો તો એક જ છે એટલે અહીં પ્રયોજાયેલા 'મહાપંથ' શબ્દમાં એ તમામ શાખા-પ્રશાખાઓને એક વિશાળ લોકધર્મના અર્થમાં સમાવિષ્ટ કરી છે.

      નિજિયાધરમ, નિજારપંથ, બીજમાર્ગ, મહામાર્ગ, ધૂનો ધરમ, સનાતન ધરમ, મારગીપંથ, મોટો પંથ, મૂળ ધરમ, પાર પંથ, પીરાણાપંથ, ગુપ્ત ધરમ કે આદિ ધરમ એમ વિભિન્ન નામે લોક સમુદાયમાં પ્રચલિત એવા આ 'મહાપંથ' નો ઉદભવ કોઈ પંથ સંપ્રદાયનાં સ્થાપક મનુષ્ય દ્વારા નથી થયો પણ તેના આદિ પ્રવર્તક તરીકે સમગ્ર સૃષ્ટિના સર્જક આદિ દેવ સદાશિવનું નામ લેવામાં આવે છે. એમાં નિરંજન જ્યોતિ સ્વરૂપ આદ્ય શિવ-શક્તિની ઉપાસનાથી માંડીને ઈશ્વરના છેલ્લા અંશાવતાર ગણાતા લોકનાયક રામદેવપીર સુધી તેની ઉપાસના બદલાતી આવી છે છતાં મૂળ અંશો આજે પણ એના એ જ જળવાયા છે.

      સૃષ્ટિનું સમગ્ર રહસ્ય સૌ પ્રથમ આદિ દેવ મહાદેવ પાસેથી ઉમિયાજી અને શુકદેવજી પાસે આવ્યું એ પછી તો મહાપંથનાં ભજનોમાંથી મળતાં ઉલ્લેખો મુજબ પ્રહલાદ-રત્નાવલી, હરિશ્ચંદ્ર-તારામતી, બળિ-વિન્ધ્યાવળી, માર્કંડઋષિ, કુન્તામાતા, યુધિષ્ઠિર-દ્રૌપદી, અનેક દેવ-દેવીઓ, ઋષિઓ, મહાત્માઓ, ચોરાશી સિદ્ધ અને નવનાથથી માંડીને ભારી ઉગમશી, રૂપાંદે-માલદે (રાવ મલ્લિનાથ વિ.સ.૧૪૩૫-૧૪૫૬), રાજસ્થાનનાં પોકરણગઢનાં તુંવરવ રાજપૂતરાજા રામદેવપીર (વિ.સ. ૧૪૬૧-૧૫૧૫), હરજીભાટી, હરિજન કન્યા કાલીબાઈ, રામદેવપીરનાં પત્ની નેતલદે, માતા મીણલદે, મેઘઘારું, દેવાયત પંડિત-દેવલદે, શેલર્ષિ ઋષિ, લાખો-લોયણ, જેસલ-તોરલ, સાંસતિયો કાઠી, સમન શેખ, કુતીબશા બાદશાહ, ઇન્દોરનાં કુંભેરાણો ને લીરલબાઈ, નૂર સતાગર, ગંગાસતી-કહળુભા, પાનબાઈ-અજોભા, ખીમરો કોટવાળ-ડાળલદે, રાવત રણસિંહ, દેવતણખી અને તેની દીકરી નીરલબાઈ/લીળલબાઈ વગેરે અનેક સંત ભક્તોની નામાવલી મહાપંથના ભજનિક સંત કવિઓનાં ભજનોમાંથી સાંપડે છે.

      'મહાપંથ'માં નારીની મહત્તા સ્વીકારીને તેણે ગુરુસ્થાને સ્થાપવાની જે પરંપરા પ્રાચીનકાળથી ચાલી આવી છે તેણે કારણે અનેક સ્ત્રી કવિઓએ પોતાના શિષ્ય સમુદાયને અથવા એકાદ તેજસ્વી શિષ્યને મહાધર્મમાં દીક્ષિત કરવા ભજનવાણીની રચના કરી છે. આપણે ત્યાં મળી આવતી મહાપંથી ભજનવાણીમાં રૂપાંદે, દેવલદે, લોયણ તોરલ, લીરલબાઈ/ લીળલબાઈ / નીરલબાઈ, ગંગાસતી અને પાનબાઈની રચનાઓ વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

      આ દરેક સંત કવિયત્રીઓની રચનાઓ તરફ દ્રષ્ટિપાત કરીએ ત્યારે એમાંથી મહાપંથનું જે સ્વરૂપ ખડું થાય છે એ અચંબો પમાડે તેવું છે. સંતનારીના અમાર્ગદર્શન દ્વારા પુરુષ શક્તિશાળી પુરુષ 'જાતિ' બનીને આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ પર આગળ વધે અને નારીને સહભાગી બનાવીને પોતાનો જન્મ સાર્થક કરે એવો આ સંપ્રદાયનો સિદ્ધાંત આપોઆપ આ ભજનોમાં વણાઈ ગયેલો જોવા અમલે છે. 'જ તિ' અને 'સતી' દ્વારા જ્યોતિસ્વરૂપ નિષ્કલંક તત્વની ઉપાસનાથી થતી હોય ત્યારે ઊંચા-નીચા, નાના-મોટાં, સ્વામી-સેવક કે નારી-પુરુષ જેવા ભેદને મિટાવી દેવામાં આવે, પતિ પોતે પત્ની પાસે ગૂઢ જ્ઞાનની યાચના કરે, પ્રિયતમને એની પ્રિયતમા મન મૂકીને મેદાનમાં ઝૂઝવાનો આદેશ આપે, રાજા પોતે જેને અછૂત ગણતો હોય એવી નીચલા થરની નારી પાસેથી ગુરુગમદીક્ષા ગ્રહણ કરે અને સેવક પોતાના સ્વામીને સતધરમની શિક્ષા આપે એવું તો આ લોકધર્મમાં જ બની શકે ને....

      વળી સીધો જ ઉપદેશ.. પ્રત્યક્ષ કથન શૈલીમાં...સીધા સાદા સરળ શબ્દોમાં... નહીં કોઈ આડંબર, નહીં અવળવાણી...
'જી રે લાખ, ધ્યાનમાં બેસીને તમે
ધણીને આરાધજો રે...' (લોયણ)
***
'રાઓળ માલા, પારકાં રૂપ દેખીને તમે
માયલાને મત ડગાવો હો જી,
એવી તમે જીતી રે બાજી જાશો હારી રે હાં...' (રૂપાંદે)
***
'જેસલ કરી લે વિચાર માથે જમ કેરો માર,
સપનાં જેવો આ સંસાર, તોળી રાણી કરે છે પોકાર,
આવોને જેસલરાય, આપણે, પ્રેમ થકી મળીએ રે....' (તોરલ)
***
'મેરુ રે ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ,
મરને ભાંગી પડે ભરમાંડ રે...' (ગંગાસતી)
***
'જી રે લાખા, ભગતિનો મારગ
બોત કઠણ છે રે...' (લોયણ)
***
'શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ
જેનાં બદલે નહીં વ્રતમાન રે....' (ગંગાસતી)

      સૌંદર્યની પાછળ પાગલ બનેલા લાખાને બોધ આપતાં લોયણનાં ભજનો હોય કે કાળઝાળ લૂંટારા જેસલ જાડેજાને ભક્તિમાર્ગે ચડાવનારા તોરલનાં ભજનો હોય.... અને એની જ પરંપરામાં ચાલ્યા આવતાં રૂપાંદે, ગંગાસતી, નીરલબાઈ, પાનબાઈ કે દેવળદેનાં ભજનો હોય... એમાં પ્રત્યક્ષ કથનશૈલીનું પ્રયોગબાહુલ્ય જોવા મળે છે. મહાપંથનાં સંત-કવિઓનું આ આગલું લક્ષણ છે.

      વળી એમાં આવતાં કેટલાંક સંબોધનોમાં જે સહૃદયતા અને આત્મીયતા ભરી છે એની તો શું વાત કરવી ? 'વીરા મારા રે..', 'મારા ભાઈલા...', 'મારા વિરલા રે...', 'મારી બાયું રે...', ' મારી બેની રે...' વગેરે સંબોધનો ભજનમંડળીમાં બેઠેલા તમામ ભક્તજનો-શ્રોતાઓ કે પાઠકોને સહેજે દ્રવિત કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. કોઈ સંત નારી સતી સ્ત્રી તરફથી જનસાધારણ પ્રત્યે આથી વધુ સ્નેહભાવસૂચક સંબોધન કયું હોઈ શકે ? અને આ ભજનો લોકપ્રિય થવા પાછળનું અત્યંત લોકાદર પ્રાપ્ત થવા પાછળનું એમ મહત્વનું કારણ પણ એ સ્ત્રી સંતોની લોકસમુદાય પ્રત્યેની મીઠી મમતા જ હશે. જ્યારે ભજનો ગવાતાં હોય ત્યારે ભજનમંડળીમાં બેઠેલા સૌને એવું લાગે કે સતી તોરલ, સતી લોયણ, સતી રૂપાંદે આજે ધર્મની બહેન બનીને પોતાને સતપંથે ચડાવવા હાકલ કરી રહી છે.

      મહાપંથનાં સ્ત્રીસંતોની વાણીમાંથી કોઈ વિશિષ્ટ દર્શન પ્રાપ્ત થાય છે ખરું ? એ પ્રશ્ન લઈને આ તમામ ભજનિક સંત કવિયત્રીઓની રચનાઓનો અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે સૌરાષ્ટ્રની વિશિષ્ટ વિવિધ સંતવાણી પરંપરામાં વેદોથી માંડીને આજ સુધીનાં તત્વચિંતકોનાં ગ્રંથોમાં જે ચિંતન અને દર્શનની પરંપરા ઊતરી આવી છે તેની સમાંતરે આ સંત કવિયત્રીઓનાં ભજનોમાં પણ એજ ધારા શબ્દફેરે કે અભિવ્યક્તિનાં સ્વરૂપ ફેરે ઓછી વત્તી વહેતી આવી છે. આ ભજનોમાં એટલે જ આપણને ઉપનિષદોની વાણીનો રણકાર સાંભળવા મળે છે. વેદાન્તનાં વિષયો જેવા કે -બ્રહ્મ,જીવ, જગત, ઈશ્વર, જ્ઞાન, યોગ, ભક્તિ, કર્મ, વૈરાગ્ય, અજ્ઞાન અને ગુરુ.... વગેરે જુદાં જુદાં વિષયો પરત્વે આ સંત કવિયત્રીઓએ ઊંડું ચિંતન પોતાની વાણીમાં સાવ સરળ શબ્દોમાં રજૂ કર્યું છે.

      આત્મદર્શનની સાધના અને જીવમાત્રની સેવા એ સનાતન હિંદુ ધર્મના મુખ્ય સારભૂત તત્વોને મૂળભૂત સિદ્ધાંત તરીકે સ્વીકારીને પોતાના જીવનમાં ઉતારીને પૂર્ણ ભક્તિમાર્ગની સમજણ આપતાં ભજનોની રચના આ સ્ત્રીસંતોએ કરી છે. સાવ સીધા સાદા શબ્દોમાં અપાયેલું ગૂઢ-ગહન ચિંતન અને મહાપંથનાં સ્ત્રીસંતોની વાણીનું વિશિષ્ઠય ધરાવતું અંગ છે. એમાં અપાયેલો ઉપદેશ માત્ર વાણી વિલાસ નથી પણ પોતાના વિચાર, વાણી અને વર્તનમાં સિદ્ધ કરેલી-આચરી બતાવેલી ભક્તિસાધનાના પરિણામે પ્રગટેલું અભિનવ નવનીત છે. કોઈને બોધ કે ઉપદેશ આપતાં પહેલાં પોતે એ કક્ષા સુધી પહોંચીને, પોતાની જાતને તૈયાર કરીને પછી જ કોઈને શીખ આપવી એવા સંકલ્પ સાથે કરાયેલી આ જીવનસાધના ભજનોમાં સ્વાનુભવની અભિવ્યક્તિનો દેહ ધારણ કરે છે. એમાં પરંપરાથી ચાલી આવતી યોગસાધનાનું આલેખન પણ જોવા મળે છે. સૂરતા, નાભિકમળ, શૂન્ય, ધારણ, ધ્યાન, ત્રાટક, ઇંગલા-પિંગલા, સ્વરભેદ, નાડીશુદ્ધિ, ઉલટો પવન અને સમાધિ જેવા યોગમાર્ગી શબ્દોનો વિશિષ્ટ રીતે વિનિયોગ કરીને મહાપંથની વિચારધારા પ્રમાણેની મૌલિક અને સ્વતંત્ર સ્વાનુભૂતિમૂલક સાધનાપ્રણાલીનું માર્ગદર્શન આ ભજનોમાં અપાયું છે.

      ગુજરાતી ભજન-સાહિત્યમાં એક આગવી અને વિશિષ્ટ પરિપાટી ધરાવતાં ભજનોનું સર્જન કરનાર તમામ સંતકવિયત્રીઓનાં જીવન અને કવન વિશે અત્યાર સુધીમાં વધુ વિગતો સાંપડી નથી પણ જેટલી હકીકતો પ્રાપ્ય છે તેનો પરિચય મેળવીએ.


0 comments


Leave comment