28 - વાવ / સૌમ્ય જોશી


(૧)
એક વાવમાં,
હજાર પગથિયાં ઉતરીને તરસ ભાંગી’તી,
ને બહાર નીકળયો ત્યારે
હજાર પગથિયાં ચઢ્યાના થાકે પાછું સૂકાઈ ગયું ગળુ,
આપડે મળીને છૂટા પડીએ ત્યારે,
યાદ આવે છે એ વાવ.

(૨)
છેક નીચેના માળે ઉતરવાની તારે ચિંતા નઈ,
ગમે ત્યાંથી બેડું ભરી લે,
આ સ્તંભ કોતરણી ને સાત માળ,
પાણી પાણી થઈ જાય છે તને જોઈને.

(૩)
લીલ બાઝી ગઈ છે વાવનાં પાણી પર,
એની માને,
તરસની આળસ તો જો.

(૪)
તને નઈ મળયાની તરસનો વધતો અંધકાર જોઈ હરખાઉં છું,
યાદ કરું છું વાવ,
પાણીવાળા છેક નીચેના માળે,
સૌથી વધુ હોય છે અંધાર.

(૫)
કીર્તિ માટે, મોભા માટે, પરજા માટે,
મૂળ વાતજ ખબર નહોતી રાજાને,
વાત સૌથી વધુ હોય છે ચામાચિડીયાઓ માટે.

(૬)
હવે ખાલી પથ્થર, ખાડો, અંધારું ને અવકાશ,
પોતાના જ પગથિયાં ચડીને વાવતો ક્યારની નીકળી ગઈ બ્હાર.

(૭)
માટી અંગ્રેજો જેટલી સહેલી નથી હોતી,
સુડતાલીસની પંદરમી ઓગષ્ટે એટલેજ.
આઝાદ ના થઈ વાવ.

(૮)
ઝાકળનું નસીબ તો જો,
પથ્થર સામે જીતી ગયું ઘાસ.

(૯)
બોલું છું ને બોલેલું જોવા ઉભો રહું છું
વાવ છે ભઈ,
અરીસો છે અવાજનો.

(૧૦)
પેલો સોડા-લેમનવાળો લારી બંધ રાખીને પત્ની સાથે વાવ જોવા આવ્યો છે,
આજે એટલેજ તો બધા તરસ્યા છે વાવમાં.

(૧૧)
ચારસો વર્ષ પહેલાનો એક જૂનો મુસાફર પાછો આવે છે વાવમાં,
ને સ્તંભ, કોતરણી ને ઈતિહાસ સમજાવતા ગાઈડને ધીમેથી પૂછે છે,
ભાઈ, અહીં પાણી હતું એ ?

(૧૨)
ચારસોએક વર્ષ પહેલાં,
ચારસોએક મજૂર રોકીને,
એક રાજાએ ચણી આપી’તી આ કવિતા.


0 comments


Leave comment