57 - ૨૪ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આજકાલ હોસ્ટેલમાં સૌથી વધુ ફોન માટે બદનામ હોય તો બિરવા. ડોકટર પળે-પળનો રિપોર્ટ લે છે એનો. શું જમી ? ઊંઘ આવી ? કંપની મળી ? કામવાળી છે ? ત્યાં ચોખ્ખાઈ કેવી છે ? પાણી ઊકાળીને પીવે છે ? સતત ચિંતા. મને લાગે છે બિરવાને હોસ્ટેલ અને ઘરમાં બહુ ભેદ નહીં લાગતો હોય ! ઉજ્જવલા કહેતી હતી કે લગ્ન પછી બિરવા માટે દરેક નિર્ણય એનો પતિ લે છે. પછી એ પીએચ.ડી.નો વિષય હોય કે શોપિંગ ! બજારે તો એને જવાનું હોતું જ નથી. બધું જ સમયસર, પતિની દેખરેખ હેઠળ, પતિના હાથમાં, શું ચિંતા એટલે જ ચાહવું ? આટલી કાળજી પત્નીને પાંગળી ન બનાવી ડે ? આટલી શિક્ષિત બિરવાને ક્યારે ય ગૂંગળામણ નહીં થતી હોય ? એટલે જ એના વ્યક્તિત્વમાં કંઈક વિચિત્ર નિર્લેપતા છે ?

      બહુ મુશ્કેલ છે, આ ‘સંબંધ’ નામના તત્વને પામવું. પતિ-પત્ની જ શા માટે, બે વ્યક્તિના સંબંધમાં પરસ્પરની સ્વતંત્રતાનો સ્વીકાર ક્યારે લીસ્ટ કન્સર્ન બની જાય અને એકબીજાં પરનો અધિકાર ક્યારે ગૂંગળામણ, કાંઈ કહી ન શકાય......


0 comments


Leave comment