40 - સતી રૂપાંદે, સતી દેવલદે અને સતી લોયણ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


સતી રૂપાંદે :
       મારવાડના રાવળ રાજા માલદે (રાવ મલ્લિનાથ ઈ.૧૩૩૨ થી ઈ.૧૪૦૦)નાં પત્ની સતી રૂપાંદેનાં ગુરુનું નામ મેઘધારું હતું. રૂપાંદે-માલદેના પ્રસંગો વર્ણવતાં રૂપાંદેના રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં મળતાં કેટલાંક ભજનોમાં પાટપૂજાનું વર્ણન અને માલદેને અપાયેલો મહાધર્મનો ઉપદેશ મુખ્ય છે.

      ‘રાહોલ માલા... જાગો મારા જૂના જૂના જોગી રે...’ અને ‘એ રાવળ માલા... આ દલ ખોજો તો... માયલાને જાણજો રે...’ વગેરે ભજનો લોકભજનિકોમાં ખૂબ પ્રચલિત છે. એ સિવાય ‘નરવેલ’ અને ‘રૂપારેલ’ પ્રકારનાં ભજનો પણ રૂપાંદેની રચનાઓ તરીકે જાણીતાં છે.

સતી દેવલદે :
       દેવાયત પંડિતનાં પત્ની તરીકે દેવલદેનું નામ મહાપંથના અનુયાયીઓમાં અને ભજનિકોમાં ખૂબ જાણીતું છે. દેવાયત પંડિત વિશે અનેક ચમત્કારમય દંતકથાઓ સાંપડે છે. પણ તે માટે કોઈ ચોક્કસ ઐતિ-આધારો મળતા નથી. [વિશેષ માહિતી માટે જુઓ. ‘સંતસાહિત્ય વિશેષાંક’ ઊર્મિ નવરચના.’ માર્ચ ૧૯૮૬, મહાપંથ અને સંતો. લે. ડૉ.નિરંજન રાજ્યગુરુ] દેવલદેને દેવાયત પંડિતે ગુરુસ્થાને સ્થાપ્યાં હોવાના નિર્દેશો એમનાં કેટલાંક ભજનોમાંથી મળે છે. દેવલદેની કેટલીક લોકપ્રિય ભજનરચનાઓમાં ‘હંસારાજા રહી જાઓ આજુ કેરી રાત... અબ મત છોડો અમને એકલાં.....’ ભજન દેવાયત પંડિતના અવસાન પછીની દેવલદેની તીવ્ર મનોવ્યથાને આલેખતું, આલંકારિક ભાષામાં ઉચ્ચ કલાભિવ્યક્તિ સાધતું કરુણ પ્રશસ્તિ કાવ્ય છે.

સતી લોયણ :
       સૌરાષ્ટ્રનાં બાબરા નજીકના કીડી ગામના લુહારનાં દીકરી લોયણ શેલર્ષિ ઋષિના શિષ્યા હતાં. એમણે આટકોટના રાજવી રા’લાખાને બોધ આપતાં ઊંચી કોટિનું તત્વજ્ઞાન આલેખતાં પંચોતેર જેટલાં ભજનોની રચના કરી છે. એ ભજનોમાં ઉત્તરોત્તર રીતે ક્રમશ: સાધનાનું માર્ગદર્શન આપ્યું છે. એક પછી એક ક્રમમાં મહાપંથની ઓળખ, ગુરુ અને ગુરુગમ, શિષ્યની લાયકાત, મનની શુદ્ધિ, યોગની બાર ક્રિયાઓ, રહેણી અને કરણી, સહજસાધના, બ્રહ્માંડનું-સૃષ્ટિનું રહસ્ય, બ્રહ્મનું રહસ્ય, વૃત્તિ, રસ, સત્સંગ, દેહ, માયા, જ્ઞાન અને ભક્તિ દ્વારા પરમ તત્વની પ્રાપ્તિ. એમ વિવિધ વિષયો પર જાગરણ, ઉપદેશ, તત્વ, સાધના, પરિચય અને પ્રેમ-પ્રાપ્તિ... એ રીતે ક્રમાનુસાર મહાપંથનાં સિદ્ધાંતો અને સાધનાનું નિરૂપણ એમાંથી મળે છે.....


0 comments


Leave comment