૫ છત્રી ધરો નહીં / ગૌરાંગ ઠાકર


મારી દીવાનગીને તમે છેતરો નહીં,
વરસાદ મોકલી હવે છત્રી ધરો નહીં.

કોરું કપાળ લઈ પૂછે વિધવા થયેલી સાંજ,
અવસાન સૂર્યનું ને કશે ખરખરો નહીં ?

એવું બને કે હું પછી ઊંચે ઊડયા કરું,
પાંખોમાં મારી એટલાં પીછાં ભરો નહીં.

ક્યારેક ભયજનક વહે અહિયાં તરસનાં પૂર,
મૃગજળ કિનારે વહાણ તમે લાંગરો નહીં.

હું મ્હેક, પર્ણ, છાંયડો, માળો દઈ શકું,
પણ આપ મૂળથી મને અળગો કરો નહીં.0 comments


Leave comment