59 - ૨૬ ફેબ્રુઆરી / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      ઘણીવાર મને થાય છે કે હું મારા સફેદ ડાઘ ભૂલી જાઉં છું, એ બરાબર છે ? શું મારે યાદ રાખવું જોઈએ કે હું બધાંથી અલગ છું, કંઈક ઊણી છું.

      આજે સાંજે શહેરમાંથી પાછાં વળતાં લાલ દરવાજાથી પંચાવનમાં બેઠી. મેં જોયું કંડકટર ધીરે ધીરે ટિકિટ કાપતો હતો, એક-એક પેસેન્જર આવે, મારી પાસેની સીટ પાસે થોભે અને બીજી ખાલી સીટ દેખાતાં ચાલ્યો જાય. લગભગ કાયમ મારી બાજુની સીટ છેલ્લે ભરાય. ન છૂટકે જ કોઈ મારી બાજુમાં બેસે છે. અને કદાચ એટલે જ હું બાજુમાં બેસનારની નોંધ નહીં લઈને કંઈક વેર વાળ્યાનું સુખ લઈ લઉં છું.

      આજે પણ એવું થયું, જેવી બસ નહેરુબ્રિજ ઊતરી અને આંખો સાબરમતીથી મુક્ત થઈ કે મારી નજર આગલી સીટનો સળિયો પકડેલી આંગળીઓ ઉપર ગઈ. દસે આંગળીઓનાં ટેરવાં સફેદ, કંઈક પંજા પર પણ. મેં ચહેરા તરફ જોયું તો ચોંકી ગઈ. અરે ! આ તો નયના ! બી.એ.ના છેલ્લા વર્ષમાં અમે સાથે હતાં. પરંતુ એ વખતે તો આ ડાઘ.... કેટલી સુંદર છોકરી, બિચ્ચારી ! તરત જ થયું, એની દયા ખાનાર હું કોણ ?... આ મારો સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ તો નથી બોલતો ને ! એમ હોય તો, તે પણ બરાબર નથી. ગ્રંથિ કોઈ પણ હોય, એ તમને ગુમરાહ કરે છે.


0 comments


Leave comment