1 - દ્રષ્ટિસંપન્ન કાવ્યરુચિનાં ફળ / પ્રસ્તાવના – પીંછાનું ઘર / વિનોદ જોષી


      એક જમાનામાં, સૉનેટ ન લખે તે કવિ નહીં તેવું કહેવાતું. છેલ્લા એકાદ દાયકાથી, ગઝલ ન લખે તે કવિ નહીં તેવું લગભગ થઈ ગયું છે. બલકે, ગઝલથી કાવ્યલેખનની પ્રવૃત્તિ શરૂ થાય તેવું મનાવા લાગ્યું છે. કાવ્યો પ્રગટ કરતું ભાગ્યે જ કોઈ જ ગુજરાતી સામયિક એવું હશે, જેમાં ગઝલસ્વરૂપની કોઈ કૃતિ ન હોય. ગઝલ એ જ કવિતાના ક્ષેત્રમાં પ્રવેશવાનો આસાન તરીકો બની ગઈ છે. શિખાઉ કે શીખેલાં – બધાં જ ગઝલ ઉપર જાણે સહસ્ત્રમુખી મોરચો માંડીને બેઠા છે. ગઝલ બિચારી ચહુદિશથી થપાટો ઝીલતી. આજે નથી તો પૂરી પરંપરાની રહી, નથી તો પૂરી આધુનિક બની શકી. તેનો ચહેરો વિરૂપ થઈ ગયો છે. આ વિરૂપતા વચ્ચે સાચી ગઝલને પણ ઘણું સહેવાનું આવ્યું છે. ‘મરીઝ’ ના મરણોત્તર ગઝલસંગ્રહ ‘નકશા’ ની પ્રસ્તાવનામાં સિતાંશુ યશશ્ચન્દ્રે લખેલું : ‘કાવ્યત્વને ન સમજતા મનોરંજકો, ઈશ્કીઓ, કીર્તિલોલુપ ધનપતિઓ અને કમઅક્કલ કિશોરોનું એક વિચિત્ર ટોળું જેના પર સામુહિક અત્યાચાર ગુજારી ચૂક્યું હોય તેવી સ્ત્રીને તેનું શિયળ પાછું આપવાનું કામ સાચા ગઝલકાર કવિએ કરવાનું છે’ આ બળતરા આજે પણ ચાલુ રહી છે. આ વાતાવરણ વચ્ચે આ ગઝલસંગ્રહના પ્રાગટ્યને વધાવવું કે વખોડવું તેની કોઈને પણ મુશ્કેલી પડે તેવું છે. પણ એકવાર હિંમત કરીને આ સંગ્રહમાં પ્રવેશી જનારને લાગશે કે સાચા ગઝલકાર બનવાની દિશામાં આ ગઝલસંગ્રહના કવિ ઉર્વીશ વસાવડાની યાત્રાનો પ્રારંભ તો થયો છે.

      કવિ વ્યવસાયે તબીબ છે, પણ કાવ્યપદાર્થની ચિકિત્સા પણ કરી જાણે છે. આ એમનો પહેલો ગઝલસંગ્રહ છે. અહીં જોઈ શકાશે કે એમણે ગઝલના વિવિધ વૃત્તોને અજમાવ્યા છે તો વિધરંગી ભાવસૃષ્ટિ પણ ખડી કરી છે. કશું એકાંગી નથી. સર્વશ્રલેષી મુદ્રાથી કાવ્યકર ચમત્કારો ભલે ન સાંપડે, છતાં એક સ્વસ્થ ચિંતક અને પ્રગલ્ભ શબ્દસેવીની લાક્ષણિક અભિવ્યક્તિ અહીં જરૂર છે. આ આશ્વાસનના બળે કરીને આ કવિની ગઝલોમાં પ્રવાસ કરી શકાય તેમ છે.

      જીવનને વિવિધ દ્રષ્ટિકોણથી, ગંભીર ધોરણે તપાસી તેને વિષેનાં નિરીક્ષણો પ્રસ્તુત કરવાની કવિની મુદ્રા અહીં સૌથી વધુ આકર્ષે તેવી બાબત છે. ગુજરાતની ગઝલ હવે તેના પરંપરિત ઢાંચામાંથી બહાર નીકળી ગઈ છે અને કેવળ પ્રેમની વાતચીતના ઢંગમાં ફસાયેલી રહી નથી. હવે તે ચિંતનની મુક્ત મુદ્રામાં વિકસી કોઈ તત્વોત્તાનું ભાષ્ય હોય તેવી ઊંચાઈને પણ આંબવા લાગી છે. પરંપરાની ગઝલોમાં પણ આ બધું છે. પણ આજની ગઝલોમાં તેની ધાર વધુ સૂક્ષ્મ બની છે. આ સંગ્રહની એક ગઝલના બે શૅ’ર જુઓ :
‘આરંભે છું અંત લખું છું
શબ્દ વગરનો ગ્રંથ લખું છું
કેદ કરી સઘળી ઇચ્છાઓ
પિંજર ઉપર પંખ લખું છું.’

      જે કહેવાયું છે તે ઉકેલવું સાવ સરળ નથી. આમ તો સરળતા એ ગઝલની પ્રથમ ઓળખ છે. પણ અહીં જીવનની એવી ગૂંચોનો અધ્યાય છે કે તેને માટે કવિએ અભિવ્યક્તિને વિશિષ્ટ મરડાટ આપ્યો છે. આરંભ સાથે જ અંતની પ્રતીતિ અને પછી અંતને દૂર હડસેલ્યા કરવામાં જ જીવનની પ્રતીતિ જેવી વક્ર ભાતથી આરંભી કવિ શબ્દ વગરના ગ્રંથ જેવા, અપાઠ્ય છતાં અકાટ્ય જીવનની વૃથા ચાલનો નિર્દેશ કરે છે. ઇચ્છાઓને પિંજરમાં કેદ કરી શકાય પણ ઉડ્ડયનને વિસારે પાડી દેવાય તેવું બનતું નથી. ઉડ્ડયનની તીવ્ર અભિલાષા તો પિંજરમાં પૂરાયા પછી જ જાગતી હોય છે, ઊડી શકાય નહીં તેવી નિયતિ અને પાંખો છે તેવી પ્રતીતિ એ બેઉ બાબતથી ચાલતું આંતરયુદ્ધ ઘેરી વેદનાના પુટ સાથે અહીં આલેખાયું છે. આધુનિક મનુષ્યની આવી વણદેખાતી છતાં સતત પીડતી રહેતી યાતનાના અનેક નિરીક્ષણો અહીં સાંપડશે. કવિ એને વિષે લગીરે નિર્ભ્રાન્ત થઈ શકતા નથી. તેઓ કહે છે :
‘ખબર નથી ત્યાં તેજપુંજ કે ઘોર તિમિર છે,
મનની ગહન ગુફાઓમાં પળવાર જવું છે.’

      દ્રૈતનો સામનો કરવાની યુયુત્સાની સાથોસાથ ઉકેલની શ્રદ્ધાનો ટંકાર પણ ક્યાંક સંભળાય છે :
‘કોઈ અન્યથી દૂર થાશે નહીં
એ તારું તિમિર છે ને તું દીવો ધર.’

      આટલી ઊંડી આત્મપ્રતીતિ અને નિજથી નિકટ આવવાનો આધુનિક મનુષ્યનો પ્રયાસ ચીંધતા કવિ સરળતાથી દર્શનની એક ઊંચાઈને આંબે છે. ખુદમાં જ ઈલાજનો સંભવ બેઠેલો હોવાનું તારતમ્ય પામતાં કવિની શ્રદ્ધા, બહારના સંદર્ભોમાંથી સમેટાઈ જઈ; આવી પંક્તિઓ સંપડાયે છે :
‘આજ શક્ય છે એક બુદ્ધ મારામાં જન્મે
બાગ મહીં મેં જોયું ફૂલોનું કરમાવું’

      કરુણામાંથી ઉદય પામતી શ્રદ્ધાનો નિર્દેશ અહીં એક વ્યાપક સત્યને અત્યંત લાઘવથી મૂકી આપે છે. જીવનના વૈતથ્યનો આસ્તિત્વવાદી ઉદ્દગાર આ કવિ વિક્રમવેતાળ જાણીતી કથાના આશ્રયે ખૂબીપૂર્વક આ રીતે કરે છે :
‘એક મડદું સ્કંધ પર સૌનાં અહીં
ને મથામણ રોજની વેતાળથી’

      કોઈને આલ્બેર કામૂમુ ‘મિથ ઓફ સિસિફસ’ યાદ આવી જાય. પણ આપણી કથામાંથી જ ઊંચકાતું આ પુરાકલ્પન અહીં નવતર ઢંગમાં કવિની આબાદ કાવ્યશક્તિનો પરિચય કરાવી જાય છે. મૃત્યુને સહજ સ્વીકારી લીધાની વાત કરતાં કવિનો કસબ પણ વિશિષ્ટ છે. જુઓ :
‘શ્વાસને આપી દીધી આજે રજા
મૃત્યુ જેવા એક અવસરને સબબ’

      અસ્તિત્વ પર ફિલસૂફીના નેક ચમકારા આ સંગ્રહમાં ઠેરઠેર મળશે. તેમાંથી વાતાથ્યના ભાવ પ્રગટે છે તેની સાથે જ એક સમાધાન પણ રચાય છે. આવું તત્વદર્શન માંડતી વખતે કવિ બહુ સાધારણ કહેવાય તેવા પ્રતીકોને સૂક્ષ્મ અર્થમાં ખેંચીને લઈ જઈ શકે છે. જેમકે :
‘જે સતત ચાલ્યા કરે ઘડિયાળના કાંટા ઉપર,
શક્ય છે વર્તુળ વિષે ના હોય કૈં એને ખબર.’

      આટલી ચોટદાર રીતે વાતાથ્યની વાત આલેખવી તે કાવ્યકલાની ઊંચી અપેક્ષા રાખતા કવિની સમજનું પ્રમાણ આપે છે. આવો જ એક બીજો શૅ’ર પણ અહીં નોધવો જોઈએ :
‘એ તૃષાનો અર્થ પૂછે છે મને
જે મને મૃગજળ હંમેશા પાય છે’

      આ કવિની બીજી અત્યંત પ્રભાવક બાબત મને પુરાકલ્પનોના સમુચિત વિનિયોગની લાગી છે. અહીં અનેક સ્થાનોએ એમણે આપણા પ્રાચીન સમયસંદર્ભોનું કથાબીજ લઈ અભિવ્યક્ત કરવા ધરેલી વાતને નવો ઘાટ આપ્યો છે. અગાઉ વિક્રમ-વેતાળનો સંદર્ભ લાવતો શૅ’ર જોયો તેવા બીજા અનેક શૅ’ર અહીં સાંપડશે. અને તે સર્વ પ્રતીતિકારક છે. એ બધાનું માંડવા કરતાં કેટલાંક અહીં સીધેસીધા ઉતારી જ દઉં :
‘શીખેલી વિદ્યા વ્યર્થ થવાની વેળા છે
રથચક્ર ધરામાં ખૂપ્યું છે દરવાજો ખોલ’
*
‘આવશે ઈશ્વર કદી મુજ આંગણે
એ પ્રતીક્ષા છે ને એંઠા બોર છે’
*
‘આ પ્રતીક્ષા છે મને કોની પ્રબળ
અહીં નથી મરિયમ કે જે કાગળ લખે’
*
‘હર સમસ્યાઓના મૂળમાં હોય છે
આપણી ઇચ્છાના માયાવી હરણ’
*
‘તું મને દેખાડજે વીંટી પછી
મારા ચહેરાનું મને થાશે સ્મરણ’
*
‘બાણશય્યા પર સુએ છે એ સદા
હોય છે જેની કને ઇચ્છામરણ’
*

      અહીં અનુક્રમે કર્ણ, શબરી, ધૂમકેતુની ‘પોસ્ટઑફિસ’ વાર્તામાં ઉલ્લેખાતી મરિયમ, સીતા, શકુંતલા, ભીષ્મ ઇત્યાદિ પાત્રોને ખપમાં લઈ કવિએ સાધાર અભિવ્યક્તિ તો કરી જ છે, પરંતુ એક સમાન્તર મૂળસ્થાપના માટે પુરાકલ્પનોનો સમુચિત વિનિયોગ પણ સિદ્ધ કરી આપ્યો છે.

‘તું ભીનો સ્પર્શ મને આપી જો,
હું કરું તુજને પરત ચોમાસું’
      જેવા અમુક શૅ’ર ગઝલનાં મિજાજને સ્વાભાવિક રીતે જ ખોલી આપે છે તો,

‘સ્વપ્ન તું વેચે ભલે
ઊંઘનો સોદો ન કર’
      જેવા શૅ’ર ગઝલમાં જ શોભે તેવા કાકીઓનો સાર્થક પડઘો પાડે છે.

‘મારે ઈશ્વર નામથી મતલબ બીજો કાંઈ નથી
હો સ્મરણ તારું ને ઓઠું હોય એનાં નામનું’
      જેવી લાક્ષણિક રીતથી ક્યાંક રોમેન્ટિક અભિવ્યક્તિ કરતાં કવિ,

‘રમત શ્વાસના સરવાળાની
મૃત્યુ રાહત વચગાળાની’
      એવી ફિલસૂફી આશ્રયે જઈ બેસે છે ત્યારે લાગે છે કે કવિ અલગ અલગ દિશાએ ફાળ ભરી શકે છે, એટલું જ નહીં ત્યાં પહોંચી કોઈ ચોક્કસ કવિ કર્મ પણ નીપજાવી શકે છે.

      એકંદરે આ કવિનો મિજાજ એક દાર્શનિકનો છે. તેઓ આસાનીથી પિંજર અને પિંજર બહારનાં અસ્તિત્વપરક સત્યો તરફ સરકી શકે છે. તેને વિષેનું ભાષ્ય રચી શકે છે. તારતમ્યો સુધી પહોંચી શકે છે. વળી, એક ગંભીર કવિ તરીકેની છબિ મુખર થતી હોવા છતાં ક્યાંય તેનો ભાર વરતાતો નથી તે વાત પણ નોંધપાત્ર છે.
‘આંખ તો માત્ર એક બ્હાનું છે
અશ્રુનું મૂળ શોધવાનું છે

હું લખું કાવ્ય રણની રેતી પર
ઝાંઝવું એણે દોરવાનું છે

જે સ્થળેથી સફર શરૂ થઈ’તી
આપણે ત્યાં જ પ્હોંચવાનું છે.’

      - જેવા બધી રીતે સક્ષમ શૅ’ર આપી શકતા આ કવિ પોતાની સર્જકતા પરત્વે થોડાં ક્રૂર બની શકે તો કેટલીક તાલમેલિયા ભાસતી શબ્દરમતોથી બચી શકે. કેટલીકવાર અન્ય જાણીતી રચનાઓના બેઠાં પ્રભાવમાંથી પણ બહાર નીકળી શકે. કવિ પાસે પ્રયોગશીલ અને દ્રષ્ટિસંપન્ન કાવ્યરુચિ છે. ઊંચી કવિતાની પ્રતીતિ પણ છે અને કાવ્યકળાનાં ધોરણો પણ છે. આ બધું કામે લગાડી સંયત અને વિવેકપૂત મુદ્રાથી શબ્દક્રીડા થાય તો પરિણામ સર્વથા ઇષ્ટ આવે. કવિને કાવ્યકળાના સંદર્ભમાં આપણે એમનો શૅ’ર ટાંકીને, નરસિંહ મહેતાનું સ્મરણ કરીને કહેવું જોઈએ :

‘હાથ બળે તો ફિકર નથી
સૃષ્ટિનો આ રાસ સમજ’

- વિનોદ જોષી
પ્રોફેસર અને અધ્યક્ષ
ગુજરાતી ભાષા – સાહિત્ય ભવન,
ભાવનગર યુનિવર્સિટી,
ભાવનગર – ૩૬૪ ૦૦૨
E- Mail : vinodjoshi@hotmail.com


0 comments


Leave comment