6 - શી રીતે ભૂલી શકું કિસ્સો પ્રથમ વરસાદનો ? / ઉર્વીશ વસાવડા


શી રીતે ભૂલી શકું કિસ્સો પ્રથમ વરસાદનો ?
યક્ષ માફક વ્યગ્રતાઓથી ભરેલી યાદનો.

કોઈ પડઘાનો અહીં મતલબ ન સમજે તો પછી,
શી રીતે આપી શકું પ્રતિભાવ તારા સાદનો ?

એ પરિગ્રહ લાગણીનો ના કરે ક્યારેય પણ,
વ્યર્થ છે આ યત્ન મારો પત્રની સોગાદનો.

હું નિજાનંદે ગઝલ સર્જું અને વાંચ્યા કરું,
સૌ છતાં એમ જ કહે હું છું દીવાનો દાદનો.

એક ટહુકો મોરનો પ્રગટી અને વિખરી ગયો,
શબ્દનું પ્રાગટ્ય તો કિસ્સો છે વર્ષો બાદનો.


0 comments


Leave comment