8 - ઇન્ટરનેટ વિષે ગઝલ / ઉર્વીશ વસાવડા
લાખ જોજન દૂર હો એના મીઠા સહવાસની,
આંગળી ને ટેરવે દુનિયા જુઓ આભાસની.
મેઘ માફક યક્ષનો સંદેશ એ લાવી શકે,
ને પ્રિયાના ખંડમાં આભા રચે આકાશની.
શું બન્યું તું, ને થશે શું, એ સ્મૃતિમાં સાચવે,
કાચગોળો છે ને એ આરસી ઇતિહાસની.
પાનખરમાં એ વસંતી વૃક્ષ સરજાવી શકે,
રેત પર સહેરાની એ વાતો લખે ભીનાશની.
હર સંબંધોમાં કશી ઉષ્મા નથી હોતી કદી,
સ્પર્શ છે એવો કે જેમાં એબ છે કુમાશની.
0 comments
Leave comment