112 - વિસ્મૃતિ / ચિનુ મોદી


[૧]
તને મારે ભૂલી જવી પડે
એવું કેમ કશું થતું નથી ?
આમ તો :

તું મળે તોય પૂંઠ વાળી
ક્યારેક તો મ્હોંને સ્હેજ મરડીને,
ક્યારેક ના મને જોયો હોય એમ ચાલી જાય;
પ્હાડ ઊંડી ઊંડી ખીણે ગબડતા થાય.

મિત્ર પાસેથી યે એ મેં સાંભળ્યું છે :
‘યાર તારું નામ લીધું એની કને
તો એ કહી છ...ટ્ છ...ટ્
એવી તો ચિડાઈ...’

મેં જે તને લખ્યાં હતા પત્ર
એ સૌ અર્ધ ફાટી હાલતમાં
‘પોસ્ટ’માંથી મેળવું છું,
જખમની જેમ એને જાળવું છું,
આવું આવું ઘણું ઘણું થયું.

આવું આવું ઘણું ઘણું થાય;
આવું આવું ઘણું ઘણું થશે
તોય મને એનો એ જ પ્રશ્ન કેમ થાય ?
તને મારી ભૂલી જવી પડે
એવું એવું કેમ કશું થતું નથી ?

[૨]
એક દોટે માઈલ મેં નેવું કાપ્યાં
ઘરની એ દીવાલોને ખેસવીને
દૂર દૂર ધસી આવ્યો;
- પરિચિત લાલ માટી,
- આછાં નીરે વહી જતી બે બે નદી;
- (મારે માટે ડૂબી ગયા એ) બે સેતુ
છોડી દીધા તોય મારો સર્યો નહીં હેતુ.

[૩]
ઘડિયાળ, ખુરશીઓ,પલંગ ને મેજ;
અસબાબ મારો એનો એ જ,
નવા મારા ઓરડામાં
અડવાતાં અડવાતાં ગોઠવાઈ
મારી સાથે તારી કરે મૂંગી મૂંગી વાત,
જાગી અધરાત, જાગી મધરાત.

[૪]
મને થાય.
અસબાબ તોડી ફોડી ફેંકી દઉં
પણ પછી બરાડતો
શેરીઓમાં ફર્યા કરું;
ફોડી નાખો સૂરજની આંખ;
તોડી નાખો, તોડી નાખો ચાંદ.
તોડી નાખો ફોડી નાખો
ફોડી નાખો તોડી નાખો
ફોડો ફોડો
તોડો... તોડો....


0 comments


Leave comment