113 - ગિરનાર / ચિનુ મોદી


[૧]
ચઢાણ : સવાર

ધુમ્મસ તરતું
થીજ્યા થીજ્યા પહાડને ખેસવવા મથતું,
ધુમ્મસ તરતું.

ડોળીવાળાની જેષ્ટિકા નિયતતાલમાં ખખડે
વૃદ્ધ આંખમાં વીત્યાં વરસના વણઝારાઓ રખડે.

ઓસ થઈ આંસુ ઓસરતું !
ધુમ્મસ તરતું.

સેર પાતળી સ્વર્ણકિરણની વિહંગ બાંધી કોટે
એક પછીની એક ટૂકોને અડકી અડકી બોટે;
સૂકાં પાન શું નીચે ખરતું,
ધુમ્મસ તરતું.

હિંસ્ર પશુની કીકી જેવું અંધારું, અણિયાળું
કોઈ ગુફામાં નજરે પડતાં પગને પાછા વાળું,
ભર્યા પ્હાડનું શૂન્ય ડણકતું,
ધુમ્મસ તરતું.

[૨]
દત્તાત્રેયની ટૂકે : બપોરે

ઊડતી ટૂકે,
વાયુના અણદેખ્યા દરિયે ભરતી માઝા મૂકે;
ઊડતી ટૂકે.

ફૂલ્યા શઢો શાં પાંખ વીંઝતાં વાદળ અડકે વ્હાલે
પાંપણગોપ્યાં નેણ માહરાં પૂંઠે પૂંઠે ચાલે;
લીલાંછમ્મ આંસુ ને આંખો વળતું પગલું ચૂકે
ઊડતી ટૂકે.

કરાળ ભૂખ્યા ડાંસ પથ્થરો, ઝાંઝ ભરેલી ખીણો,
વૃક્ષોથી અફળાતાં વૃક્ષો, અવાજ બરછટ, તીણો;
તપ્યા નગરની પાસ ઢૂંકતાં ઊભડક નજરું ડૂકે
ઊડતી ટૂકે.

ભર્યા નગરના કોટ, કાંગરા તળાવ-પાણી તરતી
ટાવરના કાંટા ફેરવતી નજરું પાછી ફરતી;
પ્હાડ તળેટીમાં પોતીકી છાયા જોવા ઝૂકે
ઊડતી ટૂકે.

[૩]
ઉતરાણ : સાંજે

તળેટીમાં તાણી દિવસભાર તંબુ ગિરિ, હવે
ઊઠાવી ડેરાને કિરણઝડપે ટૂક ચઢતા.


0 comments


Leave comment