4 - મૌલિકતાની મુદ્રાની મહોર / ગ્રીનરૂમમાં / સુરેશ દલાલ


      ગુજરાતી કવિતાનું સદભાગ્ય છે કે આપણને સૌમ્ય જોશી જેવા નોખા મિજાજના કવિની અનોખી કવિતા મળતી રહે છે. સૌમ્ય જોશી એ રાતોરાત પ્રગટેલું નામ નથી. આ નામની પાછળ નોંધપાત્ર પશ્ચાદ્દભૂમિ છે. શું કવિતા કે શું નાટક – છેવટે તો એ Temple of Speech છે. સૌમ્યના નાટકમાં કાવ્યનો સૂક્ષ્મ પ્રવેશ છે તો સૌમ્યની કવિતામાં નાટ્યાત્મકતાના અણસારા-ભણકારા છે. મૌલિકતાની મુદ્રાની મહોર કોને કહેવાય એ તો આ કવિતામાંથી પસાર થઈએ તો જ ખબર પડે. નામ ન પાડી શકાય એવા અનુભૂતિના કોઈ જુદા જ ક્રોસ રોડ પર જઈને આ કવિ પોતાની કવિતાના વિષયની માંડણી કરીને એનાં આશય અને અભિવ્યક્તિને જુદું જ પરિણામ અને પરિમાણ આપે છે. એ અંગત છે છતાં પણ અંગત રહેતી નથી. એ બિનઅંગત છે છતાં પણ બિનઅંગત રહેતી નથી. એ સામાજિક છે છતાં પણ સામાજિકતાની ફ્રેમમાં માત્ર મઢાઈ જતી નથી. પોતાની લેખણ લઢણ ન બની જાય એવી સાવધાનીથી લખે છે અને એ રીતે આપોઆપ પુનરાવર્તનમાંથી ઊગરી જાય છે.

      પ્રલંબ લયનાં ગીત હોય કે ગઝલ હોય કે અછાંદસ હોય – આ બધાંમાં એ સફળતાથી નીખરતા આવે છે. એમને સાંભળવા એ એક લહાવો છે. એમને સાંભળીએ ત્યારે ‘કવિતા કાનની કળા’ એ ઉક્તિની સાર્થકતા સમજાય. બુલંદ અવાજ અને આરોહ-અવરોહની સૂઝ, કાવ્યપઠન કેટલું ઉત્તમ હોઈ શકે એનો ખ્યાલ આપે છે. એમને સાંભળીએ ત્યારે કોઈ પણ પ્રકારની ગલીપચી વિનાનું બૌદ્ધિક અને સંવેદનશીલ મનોરંજન કેવું હોય તેનો પુરતો પરિચય અને પરચો મળી રહે.

-    સુરેશ દલાલ


0 comments


Leave comment