34 - તારાઓ / સૌમ્ય જોશી


સવારસાંજ સૈકાઓ વીંઝાય છે મારામાં
મારી મુઠ્ઠીમાં મારો મુઠ્ઠીભર ઈતિહાસ હોય છે દિવસે
પણ રાત્રે તો પ્રકાશવર્ષો હોય છે મારી પાસે
સાવ આથમી ગયા પછી પણ સૂરજ આઠ મિનિટ સળગ્યા કરે છે મારી બાજુમાં
ને પછી,
મારી થોડી થોડી ઘેરાયેલી
ઝીણી ઝીણી આંખોમાં,
હળુહળુ ડગ માંડે છે મનવન્તરો.
રાત પડી હોય ભલે હમણાં જ પણ હોય છે એ મનવન્તરો પુરાણી.
મારી નાની અમથી તારીખોની આંખો પહોળી થઈ જાય છે.
ત્રણસો પાંસઠ દિવસનું મારું વજનિયું માપી જ નથી શકતું રાતોને,
કારણ કે કંઈકેટલાય તારાઓનો યુગોપુરાણો ઈતિહાસ આવીઆવીને અથડાતો હોય છે મારા વર્તમાન સાથે,
રોજ રાત્રે
આદ્રનો પેલો ગુલાબી તારો કલ્પો પહેલાં નીકળી ગયો’તો મને મળવા માટે,
પણ મારી આંખમાં આંખ ટમટમાવી શક્યો છેક આજે.
છેક આજે થઈ શક્યું એની સાથે તારામૈત્રક,
સપ્તર્ષિનું પેલું ઝૂમખું એકબીજાથી કંઈકેટલાય અંતરે પણ એકસાથે આવીને બેસી જાય છે મારી તાણેલી ચાદરમાં,
વારતા સાંભળવા બેઠેલાં ચાર ટાબરિયાંની જેમ.
ને વારતા કહેવા બેઠેલો હું સાવ યુનિવર્સલ થઈ જાઉં છું.
ચીબરી, તમરો, ઘુવડ, ચાણક્ય ને ઈસુનાં હાલરડાં સંભળાવી દઉં છું એમને.
એમની ઝોળીમાં મારા વર્તમાનથી માંડીને મારા નજીવા અતીત સુધીનું બધું જ ભરી દઉં છું.
ને વર્ષોના પ્રવાસથી થાકેલા તારા,
મારા ધોળાધબ ધાબળામાં,
એમનો લાં...બો ઈતિહાસ છુપાવીને ટૂંટિયું વાળી દે છે મારામાં.


0 comments


Leave comment