19 - શેઢો / અદૃશ્ય દીવાલો / માવજી મહેશ્વરી


      કરમશીએ દાતરડાનો ઘા કર્યો અને મશીનભણી દોટ મૂકી ઘોડી ઊંચી કરી દીધી. મશીન શાંત પડી ગયું. તે હાંફતી છાતીએ સુન્ન થઈ જોઈ રહ્યો. મશીનનો અવાજ બંધ થવાથી આસપાસનો સૂનકાર ખાવા દોડ્યો હોય તેમ તેણે દયનીય આંખે આમતેમ જોયું. ધોરિયામાં થોડી વાર પહેલા વહેતાં પાણીની ગતિ ક્ષીણ થઈ ગઈ. કરમશીના ચહેરા પર આયખાભરની લાચારી તરી આવી. ધીમા પગલે કૂવા પાસે આવી તેણે અંદર જોયું. તૂટી ગયેલો પાતો પાંખમાં અટવાઈ અડધો પાણીમાં અને અડધો બહાર લટકી રહ્યો હતો. કેટલાય વિચાર પંખામાંથી ટપકતાં પાણી પેઠે ટપકી ગયા. ખાસ્સી વારે તેણે બંડીનાં ખિસ્સાં ફંફોસી બીડી સળગાવી અને કૂંડી પર બેઠો.

      બીડીના ધુમાડા ભેગું બીજુંય ઘણું બહાર ફેંકાતું રહ્યું.
      ફાગણની સવારનો કૂણો તડકો ઉજ્જડ સીમ પર પથરાયે જતો હતો. ઝાંખરાં જેવાં ખીજડા-બાવળને સાચવી બેઠેલી સીમ વચ્ચે પોતાની પિયતના રજકાના લીલા પટ્ટાને કરમશી એકધારું જોઈ રહ્યો. દશ એકરની સુક્કીભઠ્ઠ જમીન વચ્ચે હરિયાળો ટુકડો આંખને ઠારે તેવો લાગતો હતો, પણ રાજકાને જોતાં કરમશીનાં આંતરડાં ઊકલતાં હતાં.

      કૂવા પર મશીન માંડ્યું અને રજકો વાવાતો હતો ત્યારે તો તેણે કેટલીય સુખદ કલ્પનાઓ કરી નાખેલી. હૈયે હાશકારોય થયો હતો કે બસ, હવે નાનકાનેય નિરાંત ! બધું થાળે પાડ્યાનું સુખ લઈ તે દરરોજ વાડીએ આવતો. શિયાળાની કાતિલ ઠંડી તેણે ખુલ્લી સીમમાં ઝીલી હતી. તેણે તો પોતાની પત્નીનેય કહી દીધું હતું
– હું ઘેર રહું કે વાડીએ શું ફેર પડે છે ? હેમરાજ ભલે ને ઘેર રહેતો. હજી એક વરસ માંડ થયું છે પરણ્યે.
      પછી તો જે કાંઈ જ્યાંથી મળે તે લઈને વાવવા માંડેલું અને તે વખતે જ આંબાનો એક છોડ વાવેલો. કૂવાથી થોડે દૂર ચાર પાંદડે ઊભેલા આંબાના રોપને જોઈ તેના હૈયામાં ચિરાડો પડ્યો.
- આ આંબો કેમ પાંગર્યો જ નંઈ ?
      એક બળદે ધૂંસરીમાં શિંગડું ભટકાવ્યું. કરમશીનું ધ્યાન એ તરફ ગયું. કાન હલાવી માખો ઉડાડતા બળદોના ઊપસી આવેલાં પાંસળાં જોઈ કરમશીની પીડા બેવડાઈ ગઈ. થોડોઘણો રજકો વઢાયો હતો તે હજી ક્યારામાં જ પડ્યો હતો. તેણે કશીક આશાએ ગામ બાજુ જોયું, પણ તરત માથું ધુણાવ્યું.
- તેજમાલ અટાણમાં ક્યાંથી આવે ?
      તેજમાલની યાદ આવતાં તેણે થોડું સારું લાગ્યું, પણ તરત અંદરનો વલવલાટ અને અસહાયતા નવેસરથી ઊભરી આવ્યા. તે વિચારવા લાગ્યો.

      સારું થયું કે જગશી શેઠે પડખે આ વાડી કરી ને વળી તેજમાલ જેવો માણસ રાખ્યો. નહીંતર આવી હાલતમાં તો ન જાણે શુંયે થાય ? તેણે આગળ વિચારવાનું માંડી વાળ્યું અને ચોરણી સહેજ ઉપર ચઢાવી વઢાયેલો રજકો ચોફાળમાં નાખી બળદોને નીરી દીધો. આંખો તાણી લહેરાતા રજકાને જોઈ રહેલા બળદ સંતોષથી કરમશીને જોઈ રહ્યા.

      ગાડાની ઊંધ પર બેસીને કરમશી રજકો ભચડતા બળદને જોઈ રહ્યો.
- આ જાનવરમાંય કેટલી સમજ છે ! પણ મનેખ તો નકારો સવારથનો પૂતળો. નંઈતર કેટકેટલું હેરાન થયો ત્યારે કૂવો થ્યો અને મશીન મંડાયું. આટઆટલું ઊભું કર્યું તોય આ દિવસો ?
      તેણે આભ સામે જોયું.
      ચમક ઊડી ગયેલા કાપડનાં તાકા જેવું આકાશ માણસો વગરનાં સૂના શમિયાણાની જેમ ટિંગાઈ રહ્યું હતું. એક પક્ષી દિશા ભૂલી ગયું હોય તેમ આમતેમ ઊડતું જતું હતું. કરમશીના વિચારોનું પૈડું ફરતું જતું હતું.

      ભેણ્યા આવું ને આવું કેમ થાતું હશે ? મોટાને હેરાનગતિ વેઠીનેય નોકરીએ વડગાડ્યો તે પછી આ બાજુ વરકવાનું નામેય લેતો નથી ને હેમરાજ માટે બધું બરોબર ગોઠવ્યું ત્યાં તો નવી જ જાતનું થ્યું. આવું તો વિચારેલુંય નહોતું. પણ શું થાય ?

      તે બેઠો બેઠો ખેતરની ભૂખરી માટીને જોઈ રહ્યો.
      કાળઝાળ વરસેલા દુકાળે ક્યાંય લીલપનું નામ રહેવા દીધું ન હતું. કરમશીને લાગ્યું જાણે તે કોઈ વેરાન રણમાં બેઠો છે સાવ એકલો. રેતીના ઢૂવા વિસ્તરતા જાય છે. રણને ન તો કોઈ શેઢો છે કે ન અંત. અચાનક તરસ લાગે છે. આંખો સામે પાણીનું સરોવર દેખાય છે. પોતે દોટ મૂકે છે, પણ કિનારા સુધી પહોંચી જ શકાતું નથી. આખરે પગ લથડે છે. તરસ ગળામાં અટકી જાય છે. આંખો મીંચાઈ જાય છે.
- કેમ તે મશીન બંધ પડ્યું છે ? ચાલુ જ નથી કર્યું કે શું ?
      કરમશી બાઘાની જેમ નાથીને જોઈ રહ્યો. નાથી ક્યારે આવી તેનો ખ્યાલ પણ તેને રહ્યો નહીં. તેનાથી અચાનક ખેતર સામે જોવાઈ ગયું. થોડી વાર પહેલાં રણ જેવું લાગતું ખેતર હવે ખેતર જેવું જ દેખાતું હતું. પવનની સહેજ લહેરખી આવી. કરમશીને સારું લાગ્યું.
- કઉં છું કે મશીન ચાલુ નથી કર્યું ?
- શું તંબૂરો ચાલુ કરે ? એ જો પાટો તૂટીને પડ્યો છે કૂવાની અંદર. હવે તેજમાલ આવે ત્યાં લગી બેઠા રઈએ બીજું શું ?
      નાથીએ કરમશીની ઊંડી ઊતરી ગયેલી આંખોમાં સહેજ જોયું અને ઘમેલું માથેથી ઉતારી તે પણ ગાળા પર બેસી ગઈ. બેય એક જ દિશામાં જોઈ રહ્યા ચુપચાપ.

      ખેતરના દક્ષિણ શેઢે અડોઅડ ઊભેલા ખીજડાનાં બે વૃક્ષો પર ત્રણ-ચાર ચકરાવા મારી એક હોલો ઘડીક બેઠો અને ઊડી ગયો. ખીજડાનાં પડખેથી એક ઝાંખી કેડી દૂર સીમ ભણી જતી હતી. સૂરજ સહેજ ઉપર ચઢી આવ્યો હતો. પવન પડી ગયો હતો. સ્તબ્ધ સીમમાં સૂનકાર રવરવવા લાગ્યો. કરમશી અને નાથી ચુપચાપ ક્ષિતિજ સામે જોઈ રહ્યા. બળદો રજકો ઝાપટી કરમશી સામે આશા ભરી આંખે તાકી રહ્યા. લાંબો શ્વાસ ભરતા કરમશીએ કહ્યું.
- હવે છાશ પાણી કાંક દે. તેજમાલ તો આવશે જ્યારે આવવાનો હશે ત્યારે.
      નાથીએ ઘમેલામાં આઘુંપાછું કરી વાટકામાં બે પેંડા કરમશી સામે ધર્યા.
- મંજુ લઇ આવી’તી.
      કરમશીએ પેંડાના ગોળમટોળ આકારને જોતાં એક બટકું ભર્યું. જીભ પર સુખદ સ્વાદ ફેલાયો. તેની આંખ સામે ગઈ રાતનાં કેટલાંક દૃશ્યો તરવરી ગયાં.

      તાલુકા મથકે નોકરી કરતા મોટા પુત્ર જયંતિની પત્નીએ પહેરેલી સુઘડ સાડી, એ સાડીમાંથી આવતી મીઠી સુવાસ. ઠીક ઠીક પહેરેલું સોનું. ચીપી ચીપીને બોલાતા શબ્દોમાં પાધરી પડી જતી લાગણીની પોકળતા. તેને અસુખ થઇ આવેલું. ઘેર ઝાઝી વાર તે બેસી શક્યો નહીં. સીમમાં જાનવરની રંજાડનાં બહાને જલદી વાડીએ આવતો રહેલો. પણ રાતે ઊંઘ જ જાણે ઘેર રહી ગઈ હોય તેમ પાછલી રાત સુધી આકાશમાં ઝબકતા તારાને જોયા કર્યું. તેને થયુંય ખરું કે એકાદ તારોય જો નીચે હોત તો રાત આટલી અંધારી ન હોત.

      કરમશીએ બીજો પેંડો રહેવા દીધો. દાંત પર જીભ ફેરવતા તેણે પૂછ્યું – મંજુ કાંઈ કહી ગયા છે ?

      નાથીએ કરમશીના ચહેરા સામે જોયું. હૈયામાં એક ચીરો પડ્યો. કરમશીના સીધાસાદા પ્રશ્નનો શો અર્થ થતો તે સમજતાં તેનું મન ભારે થઇ ગયું. રાતે મંજુ સાથે થયેલી વાતો યાદ આવવા લાગી. જયંતિએ શહેરમાં જમીનમાં કરેલું રોકાણ, નવું મકાન બાંધવાનો વિચાર. આવી તો કેટલીયે વાતો મંજુએ રસભેર કરી હતી. છતાં નાથીએ ટૂંકો જવાબ આપ્યો – ના બીજું કાંઈ નથી કઈ ગઈ.

      ભારેખમ્મ બૂટથી ધૂળ ઉડાડતો આવતો તેજમાલ કરમશીને દૂરથી જ દેખાઈ ગયો. તેના ચહેરા પર ફૂટતી સવાર જેવું શ્યામલ અજવાળું પથરાયું. તેણે નાથીને કહ્યું :
- રે’વા દે. ચાય જ બનાવી નાખ. તેજમાલ આવે છે.
- કાકા કેમ મશીન બંધ પડ્યું છે ? પિવરાવી લીધું ?
- ક્યાંથી પિવરાવે ભાઈ ! જોને પાતો તૂટીને કૂવામાં પડ્યો છે. હું તો તારી જ વાટ જોઈ રહ્યો છું. લે પેંડો ખા.
- સવારના પો’રમાં આ શેના પેંડા વેંચો છો કાકી ?
- કાલ જેંતિનાં વઉં આવ્યાં હતાં તે લઈ આવ્યાં છે.
      કરમશીના ચહેરા પર વિષાદ પથરાઈ ગયો. તેજમાલે મશીન પાસે જઈ પૈડાં ઊંધાં ફેરવ્યાં. સહેજ કૂવામાં જોયું. પછી કરમશી સામે જોતાં કહ્યું :
- કાકા, મશીન ગરમ પણ થઈ જાય છે. ઓઈલ બદલાવવાની જરૂર છે.
- હં..... બદલાવીએ. કંઈક મેળ થાય તો. વેલજીએ આઠ દિ’ના રજકાના આપ્યા નથી.
- તે ઓઈલના એવડા શું થાવાના હતા ? કાલે જેંતિનાં વઉં આવ્યાં હતાં તે એમ તો નંઈ જ ગ્યાં હોય ને.
      તેજમાલ એકધારું બોલ્યે જતો હતો. કરમશી અને નાથી ઊકળતી ચાને જોઈ રહ્યાં. સુક્કાં કરગઠીયાં ભડભડ બળતાં હતાં. તેજમાલને થયું તો ખરું કે કંઈક વધારે બોલાઈ ગયું છે છતાં તે એક સવાલ ન રોકી શક્યો.
- કાકા, જેંતિલાલનો પગાર કેટલોક ?
      કરમશીએ ચાની વાટકી હેઠે મૂકી દીધી. ટેરવાં ત્રમ ત્રમ થતાં હતાં. તેણે કૂવામાંથી નીકળેલી માટીના ઢગ સામે જોતાં કહ્યું :
- શી ખબર ભાઈ. ઈ અમને કાંઈ કે’ નંઈ ને અમારાથી પુછાય નંઈ. ઈ મોટો સાએબ છે ઈ ખબર. કાંઈ અરથ નંઈ ઈ બધી વાતુંનો ભલો ભગવાન બીજું શું ?
      કરમશીએ બાકીની ચા ઢોળી નાખી. વાતાવરણ ભારઝલ્લું થઇ ગયું. નાથીની વલવલતી આંખો આમતેમ ફરતી રહી.
      તેજમાલની આંખો કરમશીના ચહેરાની કરચલીઓમાં થોડી વાર અટવાઈ ગઈ. તેણે ખોંખારો ખાતાં કહ્યું :
- કાકા, ચિંતા ન કરો. પાટો હમણાં જ સાંધીએ. હું કૂવામાં ઊતરું છું.
      તેજમાલે ખમીસ ઉતાર્યું. નાથીની આંખો આગળ બે બળૂકી પીઠ તરવરી રહી. તેજમાલે થોડી વારમાં તૂટેલાં પાટાના બન્ને છેડા ઉપર લાવી દીધા.
- કાકા, તમે નટબોલ્ટ શોધો. હું હમણાં આવું. આજે ત્રણેક મજૂર રાખ્યા છે. આંબાના રોપલાને ખુરપ કરી ખાતર આપવાનું છે.
- ભલે ભલે, જઈ આવ.
      તેજમાલ શેઢો ઓળંગી ગયો. કરમશીએ તૂટેલી ટ્રંકમાં ખાંખાખોળા કરી પાટો સાંધવાના નટબોલ્ટ શોધ્યા. પછી જગશી શેઠની વાડી બાજુ જોયું. તેની આંખોને એક જોરદાર ધક્કો વાગ્યો. ગળું સુકાવા લાગ્યું.

      નવીસવી બનાવેલી વાડીમાં ત્રણેક એકરમાં હારબંધ વાવેલા કેસર આંબાને ફૂટેલી કૂંપળોની રતાશ ચમકતી હતી. બીજા મજૂરો સાથે હેમરાજ પણ રોપલાની આસપાસ કોશથી ખોદતો હતો. કરમશી આખુંય દૃશ્ય સુક્કી આંખે જોઈ રહ્યો. તેજમાલ દરેક રોપાને ઝીણવટથી જોતો જોતો હેમરાજ પાસે અટક્યો. તેણે હેમરાજને કશુંક કહ્યું. હેમરાજે મજૂરની અદામાં ડોકું હલાવ્યું અને કપાળેથી પરસેવો લૂછી હથેળી ઝાટકી.

      કરમશીના ગળામાં મોટી ચીસ અટકી ગઈ. તેની વૃદ્ધ આંખો પોતાના કૂવા, રજકા, મશીન પર ફરતી ફરતી મૃતપાય હાલતમાં ઊભેલા આંબાના છોડ પર અટકી. તેને બે મહિના પહેલાંનું દૃશ્ય યાદ આવ્યું.

      રજકાને જમીન માફક આવી હતી. બરોબર ફાલ્યો હતો. કરમશીને પોતાની મહેનત સાર્થક થતી દેખાતી હતી. આખા દિવસનો શ્રમ લઈ તે સાંજે ઘેર પહોંચ્યો હતો. હેમરાજ બહાર ઓટલા પર બેઠો હતો. કોઈ અજાણ્યા જણની જેમ અને તેણે કાંઇક કહ્યું પણ એવી રીતે જાણે અજાણ્યો જણ.
- બાપા મારે જુદા રે’વું છે. કાલથી વાડીએ તમે જ જજો.
      જાણે ઘરની વચલી આડી તૂટી પડી. કરમશી કશું પૂછી પણ ન શક્યો. ફક્ત વિનવણી કરી જોઈ, પણ હેમરાજ એકનો બે ન થયો. તે પછી ખુલ્લી સીમમાં તૂટેલા ખાટલા પર આખી રાત તારા જોવામાં પસાર થઈ જતી. શરીરથી હાથપગ જાણે અલગ થઈ ગયા હતા. ઉજ્જડ સીમમાં લહેરાતો રજકો એકમાત્ર આધાર છે તે નક્કી જ થઈ ગયું. કરમશીએ જેમતેમ મન મનાવ્યું. ફક્ત દુઃખતી રગ દબાઈ ન જાય તેનું સતત ધ્યાન રાખતો.

      તેણે ચાર પાંદડે ઊભેલા આંબાના છોડ સામે જોયા કર્યું. તેની સામે નિરાશાનો એક પહાડ રચાઈ ગયો છતાં તે ઊઠ્યો, બધુંય ખંખેરીને.

      તેણે કૂંડીમાંથી પાણીનો ડબ્બો ભર્યો. કોશ લઈ આંબાના છોડ પાસે બેસી ગયો. તેણે છોડની આસપાસની જગ્યા સાફ કરી ધીમે ધીમે ખોદવા માંડ્યું.

      ખાસ્સો એવો સમય પસાર થઈ ગયો.
      છોડની આસપાસની માટી ખોદાવાથી ઢીલી પડી ગઈ. તેણે ક્યારાને વ્યવસ્થિત કર્યો અને નાના બાળકને દૂધ પાતો હોય તેમ પાણીનો ડબ્બો ક્યારામાં રેડ્યો. તાજી ખોદાયેલી માટીએ બધું પાણી ચૂસી લીધું. કરમશી માટીમાં શોષાતું પાણી જોઈ રહ્યો.

      અચાનક તેના કાને કોઈકની વાતોનો અવાજ પડ્યો. તેણે બેઠે બેઠે અનુમાન લગાવ્યું કે એક તો તેજમાલ છે, પણ આ બીજો અવાજ તો....

      કરમશી સંતોષથી ઊભો થયો ત્યારે તેજમાલની સાથે હેમરાજ પણ શેઢો ઓળંગી ચૂક્યો હતો.

[નવનીત સમર્પણ, ફેબ્રુઆરી ૧૯૯૯]


0 comments


Leave comment