1 - અલ્પ આત્મનિવેદન / શબ્દે કોર્યા શિલ્પ / ભાનુપ્રસાદ પંડ્યા


      સંવેદના વિચારસ્પન્દ સાથે વણાતી સૉનેટમય અભિવ્યક્તિ સાધતી રહે છે. સૉનેટ લખાતું રહ્યું છે, ‘અડોઅડ’ (૧૯૭૨) અને ‘ઓતપ્રોત’ (૧૯૮૭)ના પ્રકાશન પછીના સમયગાળામાં પણ મારી સિસૃક્ષાએ સૉનેટનો આશ્રય લીધો. એ સૉનેટોમાંથી ૧૦૧નું ચયન કરીને આ સંગ્રહ પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. ‘શબ્દ કોર્ય શિલ્પ’માં રહેલો તૃતીયા-સપ્તની વિભક્તિનો શ્ર્લેશ સહૃદય ભાવકને, તેનો મર્મ ગમ્ય બનતાં પ્રસન્ન કરશે.

      મારા સૉનેટસર્જનને પ્રારંભથી આવકારી મને પ્રોત્સાહિત કરનાર સ્વ. બચુભાઈ રાવતની પુણ્યસ્મૃતિને આ પ્રસંગે મૂક ભાવવંદના કરું છું. એ ઉલ્લેખ કરતાં આનંદ થાય છે કે આમાંની અધઝાઝેરી કૃતિઓ ‘કુમાર’માં પ્રગટ થયેલી છે. અન્ય સૉનેટ ‘બુદ્ધિપ્રકાશ’, ‘કવિતા’, ‘કવિલોક’, ;નવનીત સમર્પણ’, ‘દક્ષિણા’, ‘નવરોઝ’, ‘મિલાપ’ તથા બીજાં કાવ્યચયનો કે સંપાદનોમાં પ્રસિદ્ધ–પુનર્મુદ્રિત થયાં છે. પ્રકાશન સમયે સૌ સામયિકોના તંત્રી–સંપાદકો આભાર માનું છું.


      સૉનેટલેખનમાં રસ દાખવનાર સર્વશ્રી કવિ ઉશનસ્, જયન્તભાઈ પાઠક, જયંતભાઈ કોઠારી, ધીરુભાઈ પરીખ, તથા અન્ય સાહિત્યસેવી મિત્રોને સાભાર યાદ કરું છું. ડૉ. ધીરુભાઈ પરીખે આવરણપૃષ્ઠ ઉપર આ સંગ્રહને સંક્ષેપમાં આલોકિત કરી આપ્યો, તે બદલ તેમનો ઋણી છું. ‘પરિશિષ્ટ’માં બે સૉનેટકૃતિઓના આસ્વાદો પુનર્મુદ્રિત કર્યા છે. એ ઉભય આસ્વાદલેખકોની સહ્રદયતાને સૌજન્યપૂર્વક સંભારું છું. ચિ. રુચિરે આ પ્રકાશન માટે અત્યાગ્રહ ન રાખ્યો હોત તો એ અવશ્ય વિલંબમાં પડ્યું હોત ! પણ એ ઉત્સાહી આત્મજનોનો શો આભાર માનું ?

      મુદ્રણકાર્ય સોત્સાહ સ્વીકારીને તેને સ્વચ્છ રીતે સંપન્ન કરનાર શ્રી રોહિતભાઈ જ. કોઠારીનો આભારી છું. વિતરણની જવાબદારી સ્વીકારી ‘ગૂર્જર’ના શ્રી મનુભાઈએ મને ઉપકૃત કર્યો છે. સુંદર આવરણ પૃષ્ઠ તૈયાર કરી આપવા બદલ શ્રી એસ. એસ. ફરીદનો અહેસાનમંદ છું.

- રાજકોટ, તા. ૨૬-૦૧-૧૯૯૯
- ભાનુપ્રસાદ પંડ્યા


0 comments


Leave comment