1 - કવિની હથેળી / ભાનુપ્રસાદ પંડ્યા


આલેખાઈ સ્વજનતણી ઝાઝી ઉપેક્ષા, અવજ્ઞા
અંકાઈ છે શબદજગના સાથીઓની, ઉપાડે
બીડું વિશ્વે સમજ વધુ સંવર્ધવા, કિન્તુ સામે
ઝીંકવાની હર કદમપે ગેરખ્યાલોની ઝંઝા !
એક રેખા અનુકૂળ ‘પહાડો’ પ્રતિ ના જતી, ને
હંફાવી દે જીવનભર એવાં ચઢાણો લખ્યાં, શ્રી
રૂઠેલી રહે, પ્રણયતણી છાયા મળે ત્યાં વિલાયે,
જીવ્યે જાવું સહુની વચમાં એકલાં-કહે હથેળી !

તો યે ભાલે પ્રતિદિન નવું ભોર ભાળ્યાનું સુખ
આ વંચાતું ! ઋતઋતુતણી કૈં મુલાકાત મીઠી,
ટહૌકાઓનાં ઇજન, ફૂલના આવકારો, નિશાની
છાની વાતો, સમહૃદયની મૂક શાબાશી લાભે !
એમાં કાળે સતત ભૂંસવા નામ તારું મથ્યાની
મિથ્યા ચેષ્ટા પણ લકીર થૈ કેવી ગૈ કોતરાઈ !


0 comments


Leave comment