2 - ઓજસ્વી આલંબને / ભાનુપ્રસાદ પંડ્યા


વાગર્થૌ ! મમ આયુ છો, ડગ ભરું ઓજસ્વી આલંબને.
લૈ ઊર્જા જરી નાભિથી ઊભરજો વેણે અને લેખણે !
ઊભી લેખિની આ ઘડી અડગ તે, ના હાથથી-સ્થાનથી,
એમાંથી પ્રગટો તમે અવનવા એવા જ વિશ્વાસથી !

કહેતું કોઈ તમે પ્રભાતી ફૂલ થૈ ફૉરી રહો, કોઈને
લાગે કે તીણી શૂળ જેમ પલમાં હૈયાં લિયો પ્રોઈને !
દેતું ઓળખ કોઈ : કામધૂકનું પૃથ્વીસર્યું ક્ષીર છો,
મારે તો દૂરનું નિશાન વીંધવા તાક્યું તમે તીર છો !

વેરાનો પ્રજળ્યાં નિદાધી પથપે ના ઓથ કોઈ રહી
એકાએક છવાઈને તરુ સમા માથે ધરી છાંયડી !
ઘેરાયાં ક્ષિતિજે યદા ઘન ઘણાં ગાઢાં નભે માહરા
દેખાયા ઝબકી તમે બીજલી શા મારી ઈશાને તદા !

કંપું જો લગીરે પીળા ફફડતા એકાકી કો પર્ણ શો,
અર્પો આવી વસંતી હૂંફ સહસા–તો તામ્રના વર્ણ શો !


0 comments


Leave comment