3 - સુધા વિરલ શબ્દની / ભાનુપ્રસાદ પંડ્યા
કદીય મુજ કેશ આ ધવલ ના થશે... ના થશે :
રવીન્દ્ર ઊચર્યા યદા, અટલ આત્મવિશ્વાસથી,
વિમાસી યમદ્રારપે ઊપડતી જરા સદ્ય ત્યાં
સચિંત થઈ પૂછતી : પલટશે નહીં શ્વેત એ
સુકેશ કવિના ? કહો, ડગલું કેમ એના શિરે
ધરીશ ? જગના બધા ઊલટશે ક્રમો આપના !
તદા યમ હસી વદ્યા : પરમ ભેદ એ વેણમાં
શુભે ! કવિ કને ભર્યો અજબ કુંભ પ્રાતિભ કો,
સુધા વિરલ શબ્દની ઝરતી તે થકી એટલે
સદા ભીતરથી યુવા : ધસતી મસ્તી એ લેખણે,
વસંત વિલસે ઉરે કુસુમ-સાથિયા સોહતા
નસેનસથી ઉમડે કદીક પૂર અષાઢનાં.
દ્રગે શિશુયુવાતણી ઝલક વિસ્મયોન્માદની !
કહે ત્વદીય જીર્ણતા કદમ ત્યાં કહીં શેં ભરે ?
(- અને વિવશ માહારો મહિષ-પાય ત્યાં ના ધરે !)
0 comments
Leave comment