4 - કાલિદાસની લેખિની /ભાનુપ્રસાદ પંડ્યા


કવિ જ્યારે લેતા કરમહીં તને, લેખણ ! તદા
કહે, મ્હોરી રહેતા પ્રસૂન થઈને તે પ્રહર સૌ ?

લખે છે સુંવાળા શુક્ર-ઉદર જેવા કમળના
નિરાળા પત્રે હા, પ્રિય-વિરહિણી કણ્વદુહિતા
કહે, કેવા પત્રે કવિકુલગુરુ પ્રાતિભ દ્યુતિ
રહેતારે લાવી ? અધિક ઘૂંટ લૈ સોમરસની
લખે ત્યારે તેં શું ધસમસી રહ્યા અશ્વની ગતિ
હતી અંગે અંગે અનુભવી ? વળી સોડમ લીધી
ચવાતા મીઠા તાંબુલ રસની......? જવા દે, કહે ત્યારે....
થઈ રાજદ્વારે અદય અવહેલા ગૃહિણીની
તદા થોડી યે તું થથરી ? ભભૂકી ત્ર્યંબક તહીં
પ્રજાળે સામીપ્યે કુસુમશરને–કોઈ સળગી ?

દ્રવી કૈં આલેખી રતિ વિલપતી ને કૂખભરી
નિરૂપી સામ્રાજ્ઞી નૃપતિ થકી નિર્દોષ અળગી ?


0 comments


Leave comment