5 - રવિ હજી ઊગે / ભાનુપ્રસાદ પંડ્યા
તિમિર પીગળ્યે સીમાડેથી સરી જઈ વ્યોમનાં
ત્વરિત કળીનાં વાસ્યાં તુષાર ઉઘાડતો.
કલગી પરથી વેરી પ્રાચી મહીં ગુલમો’ર ને
ગલી છલકતી કીધી હાવાં છજે ચૂપ કુક્કુટ.
દિવસભરનો કાંધે લીધો બધો શ્રમ કોઢમાં
ગદબ લીલીમાં ખંખેરીને ખડા દ્રય ધોરી ત્યાં –
ફળીથી ઊપડી ભીંતે ઊભી થઈ ગઈ ખાટલી !
તરત સીમના ચીલેચીલા પ્રભાતિયું ભીંજવે !
દધિ ખળભળાવી, ગોળીમાં મહોદધિ નોતરી
અતિ ઘસીઘસીને માંજેલું લઈ અવ બેડલું
રૂપ ધસમસે ! (ન્યાળી પાછાં પ્રમાદ ભરે ડગ !)
ગરગડી ચડી વાતોએ જે અવાચક રાતની !
રવિ હજી ઊગે તે પ્હેલાં તો હુલાસ ઊડાઉડ
દ્રુમ ઉપરથી, ટૌકે ટૌકે ભરી નભ-સીમને !
0 comments
Leave comment