7 - શિયાળુ સીમાડે / ભાનુપ્રસાદ પંડ્યા


ભોર ભૂરા ઉદધિ સમ આ ઝાકળે નાહી ભોર
ઊઠે, ગાડાં ગલી ગજવતાં ઊપડે ઝૂલ-ઓઢ્યાં
સીમામાંથી નજરની સરે ક્યાંય નાની તરી શાં
સીમે, મોઢાં બીડીની સટ લૈ જાય બુકાની-બાંધ્યા !

છાંયા છોડી દઈ તડકીને આશરે જૈ બુઢાપો
નાખે ધામા, ઘઉં-તલ-ચણા સૂંઘી ઝૂલી કપાસે
તેડાં આવ્યાં અતિ સૂસવતા વાયરાનાં નિહાળી
પાંદે યાચી અવ અલવિદા ડાળખીની ધ્રૂજીને !

આવ્યા એના તરત સરકી જાય ઝાંખા બપોર !
ઊભી વાટે બધી ખટમીઠી બોરડી ચાખી છોરાં
ચાલ્યાં, વ્હેલાં ખગ પણ નીડે, ધોરી ઉતાવળા થૈ
પાછા ! વાંસે ચૂપ થઈ ઊભો ચાડિયો સાવ થીજી !

સીમાડે તો ભડ ભડ બળે રાત સૌ તાપણામાં !
વ્હેલું આવે નહિ ભળકડું આભના આંગણામાં !


0 comments


Leave comment