8 - વ્રજ શા વિરાને ! ? / ભાનુપ્રસાદ પંડ્યા


હું એકલો પથિક ત્યાં પગવાટ સૂની;
વેરાનમાં ધસત સ્વેદથી છેક ભીનો !
ચારે દિશા ઊકળતી પ્રસરંત લૂથી;
અંભોધિ ત્યાં ક્ષિતિજપે લહું ઝાંઝવાનો !

એ માર્ગના ઉભય તીર તરુ વિનાના;
ન્યાળું બધે કૃપણ પલ્લવહીન થોર !
ઓછો છતાં અધિક ભાર સહંત સ્કંધ :
ટૂંકો છતાં દ્રીગુણ દીર્ધ વધંત પંથ !

ત્યાં થોરની ઇષત છાંયડીમાં કલાપી
ઊભો, વિલોલ બિખરી નિજ પિચ્છલીલા !
ને સોડમાં સરકતી મયૂરી નિહાળી
થંભી ગયાં દ્રગ ઘડી; મળી શી ઉજાણી !

મેં થોરને પલટતો પરખ્યો કદંબે;
ને રાધિકા-કિશન ઢેલ-મયૂર જાણે –વ્રજ શા વિરાને ? !


0 comments


Leave comment