9 - હવે.... / ભાનુપ્રસાદ પંડ્યા
દિવસ પગ લંબાવી સૂતો, લજાયલ યામિની
ત્વરિત તનુને સંકોચાવી સવેગ ધસે જવા !
ફરીથી જળની આજુબાજુ થઈ રમતી તૃષા
(ઘડીક કરીને ‘કિટ્ટા’ થોડી હતી થઈ વેગળી !)
મળી ગઈ સહુ છાયાઓને અહીં નિજ રૈયત
(અબલ તડકામાં ઝાંખાપાંખા હતા લઈ જે ગયા !)
ઊઘડી ગઈ સૌ ભીંતે ભીંતે ફટોફટ ફૂલ શી
અભિનવ રૂપે બારી; ભાગ્યું ભિડાયલ ભીતર !
અવ અડકીએ તે અંગુલિ નહિ પણ પાંખડી !
વળી ઉચરીએ તે તે ગુંજારવો થઈ આથડે !
વસન ધરું આછાં કે પ્હેરી લઉં મલયાનિલ ?
સુરભિ લીલીનો શ્વાસે શ્વાસે અડે જઈ અંચલ !
વિકલ દિસતાં શેરી-પોળો હવે નહિ એકલાં !
રજની ગજવી વાતે વાતે ભર્યા ઘર-ઓટલા !
0 comments
Leave comment