64 - ૧૦ માર્ચ / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      બે દિવસથી વૃંદા મેસમાં પણ દેખાતી નથી. આજે સાંજે ગુજરાતી સાહિત્ય પરિષદમાં નાટ્યકાર અર્ન્સ ટોલર વિષે જશવંત ઠાકોરનો વાર્તાલાપ હતો. એક ક્ષણ થયું. વૃંદાને કહું, પણ પછી ‘ના’ સાંભળવાની હિંમત ન ચાલી.

      જ્યારે જ્યારે પરદેશી લેખકના જીવન વિષે સાંભળું છું, ત્યારે ત્યારે આપણા લેખકોનું જીવન એકદમ ફિસ્સું અને બંધિયાર લાગે છે !

      અર્ન્સ ટોલર. જન્મ ૧૮૯૩માં. નવ વર્ષની ઉંમરે પહેલી કવિતા લખેલી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી બર્લિનમાં કમાન્ડર બનેલો. આગળ જતાં ક્રાંતિ તરફ વળ્યો. જેલમાં હતો ત્યારે કોટડીમાં પડેલા સ્ટુલ ફરતી ચાદર વીંટી, વચ્ચે બેસીને લખતો. ‘મેન એન્ડ માસ’ નામનું નાટક બે દિવસ અને બે કલાકમાં લખેલું. ત્રીજા દિવસે જેલમાંથી છૂપી રીતે બહાર મોકલેલું. સાહિત્ય તરફ વળ્યો તેની પાછળ એનો એક વિશિષ્ટ અનુભવ હતો. એક વાર એની છાવણીને એક ગામ ખાલી કરાવી કૂચ કરવાનો હુકમ મળ્યો. સાત વાગ્યે હુકમ મળ્યો ને સાડા સાતે ગામ ખાલી ! છેલ્લા રહેલા માણસ તરીકે એણે ખાલી ગામ જોયું. નિર્જન ગામ, શેરીઓ, ઘર એણે લખ્યું છે કે એ ઘરોમાં મને આવકાર આપનાર કે જાકારો આપનાર કોઈ ન હતું, ને તો ય ત્યાં ઘરના લોકોનો અહેસાસ હતો. હવામાં માણસની ગંધ હતી. ખુલ્લાં પડેલાં બારણાંની કડી પર કોઈનાં આંગળાંની છાપ હતી.... સ્પર્શની ઉષ્મા હતી....

      આવા જીવંત અનુભવને વ્યક્ત કરવા એ સાહિત્ય તરફ વળ્યો. હિંસાનો વિરોધ, માણસને રૂંધી નાખતી સત્તાનો વિરોધ; સૌથી મોટું સત્ય – માણસ અને તેનું માણસપણું.


0 comments


Leave comment