31 - છેતરે જે જિંદગીનાં છળ મને / ઉર્વીશ વસાવડા
છેતરે જે જિંદગીનાં છળ મને,
એ જ આપે જીવવાનું બળ મને.
ઊંઘમાં સપનાંઓ હો ચારે તરફ,
જાગતાં ઘેરી વળે અટકળ મને.
સાવ તું સાચી ગણે છે જે કથા,
એ જ લાગે સો ટકા પોકળ મને.
એક પળ ફુરસદ ન લેવા દે કદી,
દોડતો રાખે સતત મૃગજળ મને.
મારું સરનામું કશે નહોતું લખ્યું,
કાં છતાં પીડા મળી કેવળ મને ?
0 comments
Leave comment