32 - છે અનાહત કે પછી આ નાદ આહત / ઉર્વીશ વસાવડા


છે અનાહત કે પછી આ નાદ આહત,
તું જરા સમજી લે બે વચ્ચે તફાવત .

જિંદગીભર સાચવીશું એ જતનથી,
પંચતત્વોની મળી છે જે અમાનત.

માછલાં સૌ આપણે જળ એ જ જીવન,
કેમ કરશું આપણે જળથી બગાવત .

શબ્દનો ભંડાર નહીં ખૂટે ખબર છે,
એટલે તો આદરી છે આ સખાવત.

ન્યાય તું તારા ગુનાનો ખુદ કરી લે,
ક્યાં તને મળશે વધુ ઊંચી અદાલત ?


0 comments


Leave comment