65 - ૧૨ માર્ચ / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      શીત-યુદ્ધનાં શસ્ત્રો અને પ્રહાર ઊધઈ જેવા હોય છે. ઉપરથી બધું જ સાબૂત દેખાય પરંતુ અંદર....

      છેલ્લા કેટલાક સમયથી જયારે જયારે હું અને વૃંદા ત્રીજાની હાજરીમાં મળીએ છીએ ત્યારે ત્યારે મૈત્રીનું એક નાટક ભજવીએ છીએ. પરંતુ જેવી ત્રીજું પાત્ર ખસે કે આખું નાટક કડડભૂસ. પાત્રમાંથી નીકળીને આવી જઈએ છીએ જાતમાં અને શરૂ થઈ જાય છે એક ખામોશ લડાઈ !

      આજે નક્કી થઈ ગયું કે વૃંદા સામાન્ય પરિચયનો વ્યવહારે ય રાખવા માગતી નથી. એને સતત ત્રણ દિવસ જોઈ નહીં એટલે ઉષાને પૂછ્યું તો ખબર પડી કે ઘેર ગઈ છે. તાવ આવતો હતો. બપોરે એના ઘેર ગઈ. થેંક ગોડ, એનાં ભાભી ઘેર ન હતાં. એક નાટકમાંથી તો બચ્યાં. પણ પછી થયું કે હોત તો સારું. કારણ એક અપારદર્શક ચહેરાની ઉપસ્થિતિ સતત અનુભવવી, ક્ષણે-ક્ષણે હવામાં એક ખામોશી ચણાતી જતી હતી અમારી વચ્ચે.... એ પુસ્તક વાંચતી રહી અને હું એને....

      શું એ મારી પાસે ક્યારે ય નહીં ખૂલે ? આમ અસ્પષ્ટતામાં જ અમે છૂટાં પડી જઈશું ?

      મનમાં હતું કે આજે તો હું સામે ચાલીને વાત કરીશ. ક્યાંથી શરૂ થઈ છે આ ગૂંચ ? સાથે બેસીને છેડા ઉકેલીએ. પરંતુ એને વાત કરવાની જરૂર નથી લાગતી તો પછી મારે ? ના મારે મારો અહમ્ છોડી દેવો જોઈએ. શું માણસનું વ્યક્તિત્વ જળ જેવું પ્રવાહી ને પારદર્શી ન હોઈ શકે ? જેવું પાત્ર એવું એનું રૂપ અને એની પ્રવાહિતા એ કાંઈ નિ:સત્વતા છે ?

      બે કલાક બેઠી, પરંતુ કંઈ જ બોલી નહીં. મારા શબ્દો જ ચોરાઈ ગયા ! એવું કેમ બને કે ક્યારેક તમે જે કરવા ચાહો એનાથી એકદમ જુદું જ કરી બેસો !

‘જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં –
મન પ્હોંચતાં જ પાછું વળે એમ પણ બને.’


0 comments


Leave comment