66 - ૧૬ માર્ચ / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      ‘ચરમ નિકટતાની ક્ષણથી જ અળગાપણું આરંભાઈ જાય છે.’ અજ્ઞેય સાચું કહે છે.

      વૃંદાને જુદી રૂમ મળ્યાને મહિનો થવા આવ્યો. પૂર્વકાલીન નિકટતા કરતાં દૂરીનું પલ્લું નમતું જાય છે.

      આજે અનાયાસ સલિલ પાસેથી માનવ-સંબંધનું એક રહસ્ય જાણવા મળ્યું.

      સલિલે વિજ્ઞાનનો એક સામાન્ય નિયમ સમજાવ્યો. આમ તો એ વિજ્ઞાનનો વિદ્યાર્થી, પરંતુ પછી સાહિત્યમાં નાસી આવ્યો. એટલે ક્યારેક હું એને ‘પલાયનવાદી’ કહું છું. એણે કહ્યું કે શરૂઆતમાં બે વિપરિત પરમાણુ વચ્ચે આકર્ષણ થાય છે. સમય જતાં બેમાંથી જે પ્રભાવશાળી છે એ બીજાને ય પોતાના જેવું બનાવી લે અને પછી થાય બે સમાન પરમાણુ વચ્ચે અપાકર્ષણ. ફરી બંને વચ્ચે અંતર વધે, ફરી વિપરિત પરમાણુ વચ્ચે આકર્ષણ અને ફરી અપાકર્ષણ..... આ એક ચક્ર છે, જે ચાલ્યા કરે. જો કે ચોક્કસ સમય બાદ બંને પરમાણુ વચ્ચે એક અંતર સ્થિર થઈ જતું હોય છે. પરંતુ ત્યાં સુધી આ આકર્ષણ-અપાકર્ષણના ઘેરામાં ટકી રહેવું જોઈએ !

      શું મારા અને વૃંદા વચ્ચે ય ?


0 comments


Leave comment