10 - વહો / ભાનુપ્રસાદ પંડ્યા


તટ સહુ રહ્યા જોતા ને પી ગયો ઘણું ચૈતર.
જરીક વધ્યું તેયે જોગીએ કમંડલમાં ભર્યું !
સ્વપ્ન સમ વૃક્ષોને તો, જે વહ્યો અહીં વૈભવ !
જીવતર અતિ લાંબાં, ટૂંકાં ઘરેઘર સીંચણ !

જળની ઊડતી ઝંખા-ચલ્લી ધૂળે પડી ન્હાય ને
સુગરી નહિ – આ સીમાડાની પિયાસ અહર્નિશ
લટકી વલખે ! ગ્હેકી ઊઠે અચાનક વ્યાકુલ  
રવથી મધરાતો – આકાશી તૂટે યદિ મૌન જો !

ભડળી-વચનોનો ટેકો લૈ કરી દ્રગ છાજલી
બુઝારગી ‘ઈશાની’ને ન્યાળે, ખુલાખૂલ ટીપણાં !
અવિરત ઊભી ઉત્કંઠા આ જુએ નિજ ચાંદલો
સમીપ ક્યહીં આવે ને ક્યારે રહે ઘર ભાંભરી !

તરસ રણની હોઠે, ચાસે, વનેવન જૈ ખડી !
અવ ભીનલ રોમાંચોની થૈ વહો શતધા ઝડી !     


0 comments


Leave comment