11 - સભરની સવારી / ભાનુપ્રસાદ પંડ્યા


ન રહેવાયું – મોરે સીમવતી કર્યો સાદ : સહસા
ભરે ત્યાં સ્પર્શોને પથ ડગ લીલાં કો’ક લહરી !
સુગંધો ચાલી ગૈ ક્યહીં ધૂળ ભીન્યાંની ખબર લૈ,
બપોરી વેળાની રીસ અવ ગઈ સાવ ઊતરી !

પછી તો જોણાંને રિમઝિમ લહાણી મળી ગઈ,
અને સૌ નેવાંથી ઊતરી નભ ચાલ્યું ધસમસી;
કિસાની હૈયાંનો હરખ જ વહ્યો જાય ઊભરી
પણે કાંઠે વચ્ચે – છલબલ થતો ખેતરમહીં !

બધી ખાલીપાની સરહદ જીતી લૈ સભરની
સવારીના અશ્વો કૂચ કરી ગયા ને વિજય એ
ઉડાને ઉન્માદી ગીત થઈ વહે, પાદરમહીં
ઉમંગે પુચ્છોને ઉપર લઈ ખોદે ઉકરડા !

નિહાળું બારીથી નભમહીં ઊડી હાર ધવલ,
અને રોમે રોમે તરુણ સમ ફૂટે હર્ષ નવલ !


0 comments


Leave comment