12 - ઇલમ ભયો / ભાનુપ્રસાદ પંડ્યા


પહેલાં હું આ મારગ નીકળતો – ઉગ્ર ઊઠતા
વરાળી પ્રશ્નો શી ધરતીઉરથી ધૂળ ઊડતી.
ખડી બે બહુએ ભૂખરી વરવી વાડ ઉપર
હતા કાંટા – દંતાવલિ ઊઘડી દુર્ભિક્ષમુખની ?
ગળામાં લેલાંની લહું ઉઝારડાતી સીમતણી
વ્યથા, રંકે પ્હોળી કરી ઘણી હથેળી ત્યમ ખૂલાં
વિખેરાતાં આંહી હડધૂત થતાં ખેતર પડ્યાં !

ધરાના એ પ્રશ્નો નભનું ભીનું આશ્વાસન મળ્યે
ઠર્યા, ધોળાં-પીળાં ફૂલ થકી હસે વાડ, સમીપે
અચિંત્યો પીછાંનો બિખરત કળા-વૈભવ બધો !
ખરી જ્યાં ધોરીની અડકી તહીં તો ઇલમ ભયો –
બધું યે લીલું ! ખેતર ન ખસવા દે નજરને !
હવે તો સૌ ચાસે સીમપથની આ બે ય પડખે
થઈ ડાહ્યું છોરું જનપદ નવા આંક જ લખે !


0 comments


Leave comment