13 - આસોના સીમાડે / ભાનુપ્રસાદ પંડ્યા


જરીક તરડાતી ભોં-શેઢે વધ્યું તૃણ હોડમાં
ઊતરી સહુ ડૂંડા સંગાથે, જુવાળ રચી રચી
પવન પલટે સીમાડાને સમંદરની મહીં.
ધણ કિરણનું દોડી આવી ચખે દૂધિયા કણ.

ચરી હરિત સ્વાદે બીડોને પશુ અવ ખેતરે
નજર સરખી નાખે નૈં ને મળી નવરાશમાં
અલગ દ્રગથી ધોરી ન્યાળે છલોછલ ચાસમાં
નિજ બળ ઊગ્યું-વાવેલું જે નરી તનતોડથી !

અધપક લીલાં પીળાં ખેતો સમો ધરી વાન આ
લસરી તીડ તો પાને પાને ઊડે તહીં આકડે,
રમૂજ દ્રગની-ખોદંગાતી જતી ખડમાંકડી !
ડગ લથડાતાં-વીંછી જાતો ઉંચો કરી આંકડો !

વરસભરનું મેડા માથે ફરે બળ ગોફણે,
ઊછળી પડતી હાકે રૂડો અનાગત નોતરે !


0 comments


Leave comment