14 - નિરમી લીલા / ભાનુપ્રસાદ પંડ્યા
નિજ વરણથી રોમેરોમે છવાયલ વ્યોમને
પલટી ધૂસર, પ્રત્યંચાને અડી જરી ચાપની
ગડડ પડઘે આખેઆખા ભરી અવકાશને
દ્રગ બિડવતા, ધારાઓની લઈ અવલંબના
બલિવચનબાંધ્યા પાતાલે જતા ઘનશ્યામ આ.
ત્યાં પૃથ્વીના કણકણ થકી અંકુરાતાં તૃણોમાં
લીલું હાસી અવ સૃજનના લ્યો, આ પધાર્યા !
કંકાલો યે સજીવન થયાં મૃત્કણે દર્દુરોનાં,
કોઠે કોઠે ખગપશુતણા ડિંભ આકાર લેતા,
નારીનેત્રો નવજીવનને નોતરે ભ્રૂ-કટાક્ષે,
થાનોલે હ્યાં બચબચી રહ્યાં બાળ ઝાઝાં ધરાને !
સ્રષ્ટાએ નિરમી લીલા કિન્તુ પાલક દેવ ક્યાં ?
રિઝવ્યા હરને સારા-શ્રાવણે વાધી સેવના !
0 comments
Leave comment