15 - એક ખગાનુભૂતિ / ભાનુપ્રસાદ પંડ્યા
નિહાળું બારીથી તૃતીય મજલાની; ખૂલી ગઈ
પરોઢી ડેલી, લ્યો ! અવ કિરણના કાસદ બની
ધસે ટોળાતા વાયસ, સમીપના તાર ઉપરે
રહે ઘૂંટી હોલો સૂર, ભૂખર પાંખે ભરી લીધું
કપોતે સારું યે ગગન, શુક્રનું વૃંદ ભૂલથી
ચઢી આવ્યું ઓઢી સીમ ઉપરણો, કૂજન કરી
જરી બેઠું-ઊડ્યું સમીપ ઘરની ભીંત ભીંજવી !
બૂડે કર્ણો મીઠી ચહક મહીં ને આંખ ઢળતી.
મને રોમે રોમે ઝિલમિલ થતાં પિચ્છ થરકે ?
ગયા વાસી શબ્દો ટહુરવની શી તાજપ ફૂટે !
શકે – છું બેઠો હ્યાં પરણ વચમાં, લોહસળિયા
સર્યા ને વીંટાઈ ગઈ મૃદુલ વેલી અહીંતહીં
અહો, માથે તો ના છત-નભ હશે ? માળ ત્રણનું
મકાને ઝૂલંતુ તરુ સમ હવે ગીચ વનનું !
0 comments
Leave comment