16 - હિસાબ હરેફરે / ભાનુપ્રસાદ પંડ્યા
વરસી હતી ઝાઝેરું રાત્રી, પરોઢ મહીં તહીં
નભ ઊઘડતું સંતોનાં નેત્રો, હર પર્ણને
પવન જઈ સંદેશો આપે જળાશય સર્વનો,
કલરવી ગતિમાં ઉલ્લાસો વહે, સહુ ચોપગે
હરખ ધસી ઉન્માદી પુચ્છે ચગે, પ્રતિ રોમમાં
હરિતવરણી ઝાંયે પૃથ્વી રહી થરકી અહીં,
પથ સહુ ભીના, કોરેકોરાં હવે જન નીકળ્યાં
નિજનિજ તણા કામે, ત્યાં તો હવા લઈ સોડમ
ગઈ સમીપ, ના ‘આવો !’ પામી; તરુ ઝૂમિયા,
નજર સરખી ના એ લાભ્યાં; બુલાવત પંખીડાં
ઉપર ઊડતાં, એને યે ના મળ્યો પ્રતિશબ્દ કો !
તરુ, ખગ, હવાને ભાલે ત્યાં લખાય અનાદર.
પથ પર જનારાંની આંખે બજાર તર્યા કરે,
મશગૂલ થયાં ટે વાતોમાં હિસાબ હરેફરે !
0 comments
Leave comment