17 - જળનો ગ્રહ / ભાનુપ્રસાદ પંડ્યા
અહો, આ વેળા તો નવતર નિરાળાં જળ, તણાં
નિહાળ્યાં શાં રૂપો ! ગગન ખુદ જાણે ઉદધિ થૈ
પડ્યું તૂટી, સીમા બધીય અવકાશી અતિક્રમી,
ફણાઓ ફેલાવી ફૂંફવી ઊઠિયો શેષ પડખે !
થપાટે પંજાળા ભીષણ વનરાજો ગરજતા,
મહા ઝંઝાનિલે વનમહિષ યુદ્ધે ઝઘડતા
ધરા કંપાવી દે સતત ઘૂઘવાટા સૂસવતા
અવાજોએ આંક્યાં નયન સમીપે દ્રશ્ય વસમાં !
અહીં ઊંચાઈનો અર્થ ‘છલકાવું’ સમજવો !
અને વિસ્તારોને પૂર વમળરૂપે પરખવા !
રહે સ્પર્શે ટે તો લથબથ ભીનાશો ધધકતી
દિસે ઊંડાણોમાં જળચર સમી સર્વની ગતિ !
ન પૃથ્વીને કહેશો ગ્રહ સૂરજનો, ના તૃણ તણો,
છલ્યાં-રેલ્યાં ઊંડા જળ ભમરિયાંનો ગ્રહ ગણો !
0 comments
Leave comment